હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૧૩ના છેડતી અને હુમલા કેસમાં પંજાબના AAP MLA લાલપુરા સહિત ૧૦ દોષિત જાહેર : તરન તારન કોર્ટે ચુકાદો આપ્યો
અનુસૂચિત જાતિની મહિલા પર હુમલાનો મામલો : આરોપીઓને જેલ હવાલે કરાયા : સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને પીડિતા અને પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી

તરન તારન (પંજાબ): પંજાબના તરન તારન જિલ્લાની કોર્ટે બુધવારે ૨૦૧૩ના એક ચકચારી કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરા અને અન્ય ૧૦ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ખડૂર સાહિબથી ધારાસભ્ય લાલપુરા અને અન્ય આરોપીઓ પર એક અનુસૂચિત જાતિ (SC)ની મહિલા સાથે છેડતી અને હુમલો કરવાનો આરોપ હતો.
અતિરિક્ત સેશન્સ જજ પ્રેમ કુમારની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી અને કોર્ટે હવે તમામને દોષિત જાહેર કર્યા છે. દોષિત ઠર્યા બાદ ધારાસભ્ય લાલપુરા અને અન્ય આરોપીઓને કસ્ટડીમાં લઈ તરન તારન સબ-જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા ૧૨ સપ્ટેમ્બરે સજાની જાહેરાત કરવામાં આવશે.
આ ઘટના ૩ માર્ચ, ૨૦૧૩ના રોજ બની હતી, જ્યારે પીડિત મહિલા પોતાના પરિવાર સાથે એક લગ્ન સમારોહમાં ગઈ હતી. તે સમયે, લાલપુરા અને અન્ય આરોપીઓ જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ હતા, તેમણે મહિલા સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી અને હુમલો કર્યો હતો. આ ઘટનાએ દેશભરમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો, જેના કારણે સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટુ કોગ્નિઝન્સ લીધું હતું અને પીડિતા, તેના ચશ્મદીદ પિતરાઈ ભાઈ જગજીત સિંહ, અને તેમના પરિવારના સભ્યોને પેરામિલિટરી ફોર્સની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૫૪ (મહિલાની લાજ લેવાના ઈરાદાથી હુમલો કે ગુનાહિત બળનો ઉપયોગ), ૩૨૩ (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવા બદલ સજા) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) અને SC/ST એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓમાં દેવિન્દર કુમાર, સરાજ સિંહ, અશ્વિની કુમાર, તરસેમ સિંહ, હરજિંદર સિંહ, નરિન્દરજીત સિંહ અને ગુરદીપ રાજ (તમામ પોલીસકર્મીઓ), હરવિન્દર સિંહ શોશી, કનવલદીપ સિંહ અને ગગનદીપ સિંહ (ડ્રાઈવર)નો સમાવેશ થાય છે. આ કેસની કાર્યવાહી દરમિયાન અન્ય એક પોલીસકર્મી પરમજીત સિંહનું અવસાન થયું હતું.
ચુકાદા પર પ્રતિક્રિયા આપતા પીડિત મહિલાએ પત્રકારોને જણાવ્યું હતું કે તે આ ચુકાદાથી ખુશ છે. ઉલ્લેખનીય છે કે, લાલપુરાએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ખડૂર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના રમનજીત સિંહ સિક્કીને હરાવીને જીત મેળવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
