તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
એર ઇન્ડિયાની સિંગાપોર જતી ફ્લાઇટમાંથી ૨૦૦થી વધુ મુસાફરોને ઉતારાયા : એર કંડિશનિંગ સિસ્ટમ અને પાવર સપ્લાયમાં ખામી આવતા મોટી ગરબડ
રાત્રે ૧૧ વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી AI2380 ફ્લાઇટ ઉપડવાની હતી : બે કલાક સુધી વિમાનમાં બેઠા રહ્યા બાદ મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં પરત મોકલાયા

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પર સિંગાપોર જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ૨૦૦થી વધુ મુસાફરોને અચાનક ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે ભારે અસુવિધા ઊભી થઈ હતી. આ ઘટના રાત્રે બની હતી, જ્યારે મુસાફરોને ફ્લાઇટમાં બે કલાક સુધી બેસાડી રાખ્યા બાદ ટેકનિકલ ખામીને કારણે ઉતારી દેવા પડ્યા હતા.
એર ઇન્ડિયાના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, ફ્લાઇટમાં એર કંડિશનિંગ સિસ્ટમ (AC)માં ખામી સર્જાવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2380 રાત્રે લગભગ ૧૧ વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી રવાના થવાની હતી, પરંતુ ખામીના કારણે તેમાં મોડું થયું.
વિમાનમાં હાજર એક પત્રકારના જણાવ્યા મુજબ, એર કંડિશનિંગ સિસ્ટમ ઉપરાંત વીજળી પુરવઠામાં પણ કેટલીક ગરબડ હતી. મુસાફરોએ લગભગ બે કલાક સુધી વિમાનની અંદર બેસી રહેવું પડ્યું હતું. આખરે, વિલંબ અને ટેકનિકલ સમસ્યાને ધ્યાનમાં રાખીને, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને ટર્મિનલ બિલ્ડિંગમાં પાછા લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
