<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

યુક્રેન મામલે ભારત પર ટેરિફ લગાવવા ટ્રમ્પની અપીલને યુરોપિયન યુનિયનનો ઇનકાર : અમેરિકી રાષ્ટ્રપતિને મોટો ઝટકો

યુરોપિયન યુનિયન ટ્રમ્પના ૧૦૦% ટેરિફના પ્રસ્તાવ પર વિચાર કરવા તૈયાર નથી : રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદવાને લઈને ભારત અને ચીનને ટાર્ગેટ કરવાનો પ્રયાસ

 

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પર ટેરિફ લગાવવાની તેમની અપીલના મામલે યુરોપિયન યુનિયન (EU) તરફથી મોટો ઝટકો મળ્યો છે. એક નવી રિપોર્ટ મુજબ, યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદવાને કારણે ભારત અને ચીન પર ભારે ટેરિફ લગાવવા ટ્રમ્પે EUને અપીલ કરી હતી, પરંતુ આ અપીલને હાલમાં કોઈ ભાવ મળ્યો નથી.
EUએ અપીલને ફગાવી
રોયટર્સના એક અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયનના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું છે કે EU હાલમાં ભારત અને ચીન પર કોઈ ભારે ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યું નથી. જોકે, EU દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. ટ્રમ્પે EUને ભારત અને ચીન પર ૧૦૦% સુધીના ટેરિફ લગાવવાની વિનંતી કરી હતી, જેથી રશિયા પર આર્થિક દબાણ વધારીને યુક્રેન યુદ્ધનો અંત લાવી શકાય.
વિકસતા સંઘર્ષના મૂળ
ટ્રમ્પના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે તેમણે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે "મિત્રતા"ની વાત કરી છે અને બંને દેશો વચ્ચેના વેપાર અવરોધો દૂર કરવા માટે વાતચીત ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુક્રેનના મામલે અમેરિકા અને EU એકસાથે ઊભા હોવા છતાં, તાજેતરમાં જ બંને વચ્ચે મતભેદો ઉભા થયા છે.
આ મતભેદનું કારણ ગૂગલ પર EU દ્વારા લગાવવામાં આવેલો $૩.૫ અબજનો દંડ માનવામાં આવે છે. ટ્રમ્પે આ દંડને "અયોગ્ય અને ભેદભાવપૂર્ણ" ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો આવા દંડ ચાલુ રહેશે તો અમેરિકા પણ વળતો પ્રહાર કરીને ટેરિફ વધારશે. હવે માનવામાં આવે છે કે EUએ ટ્રમ્પની આ ધમકીનો બદલો લીધો છે.

 

(11:28 AM IST)