તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
આશા ઠગારી :GST 2.0 ના કારણે પાઉચવાળા દૂધના ભાવમાં કોઈ પ્રકારનો ઘટાડો નહીં :અમુલની સ્પષ્ટતા
અમુલે જણાવ્યું છે કે. પાઉચવાળા દૂધના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે તેના પર પહેલેથી જ શૂન્ય ટકા GST લાગુ પડે છે

અમદાવાદ : GST 2.0 લાગુ થવાને કારણે પાઉચવાળા દૂધના ભાવમાં ઘટાડો થશે, તેવા મીડિયા એહવાલો સામે આવ્યા હતા. હવે આ મામલે દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ્સમાંની એક અમુલે આ અંગે સ્પષ્ટતા કરી છે. અમુલે જણાવ્યું છે કે. પાઉચવાળા દૂધના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે તેના પર પહેલેથી જ શૂન્ય ટકા GST લાગુ પડે છે.
અમુલ ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ અંગે ANI સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'GST માં કોઈ ઘટાડો ન હોવાથી, તાજા પાઉચવાળા દૂધના ભાવમાં કોઈ ફેરફાર સૂચવવામાં આવ્યો નથી. પાઉચવાળા દૂધ પર હંમેશા શૂન્ય ટકા GST રહ્યો છે.'
મહેતાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે નવા કર માળખા હેઠળની રાહત માત્ર UHT દૂધ પર લાગુ પડશે. UHT દૂધ પરનો GST દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે, જેના કારણે તેના ભાવમાં ઘટાડો થશે.
UHT એટલે અલ્ટ્રા-હાઈ ટેમ્પરેચર (અથવા અલ્ટ્રા હીટ ટ્રીટમેન્ટ) પ્રોસેસિંગ. આ પ્રક્રિયામાં દૂધને ઓછામાં ઓછા 135°C (275°F) પર થોડી સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, જે લગભગ તમામ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે અને તેને જંતુરહિત બનાવે છે. આ દૂધને રેફ્રિજરેશન વિના લાંબા સમય સુધી રાખી શકાય છે.
3 સપ્ટેમ્બરના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા GST પગલાંની જાહેરાત કરી, જેને તેમણે 'નેક્સ્ટ-જનરેશન GST રિફોર્મ' તરીકે ઓળખાવ્યા. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જીવનનિર્વાહના ખર્ચને ઘટાડવાનો અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાનો છે. 56મી GST કાઉન્સિલની બેઠકમાં GST દરોને બે સ્લેબમાં તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવાયો, જેમાં હાલના 12 ટકા અને 28 ટકાના દરોને મર્જ કરવામાં આવ્યા. આ પગલાને દેશ માટે દિવાળીની મોટી ભેટ તરીકે જોવામાં આવી રહ્યું છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
