<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

અમેરિકાની હાઈસ્કૂલમાં ગોળીબાર : વિદ્યાર્થીએ બે સહપાઠીઓને ગોળી મારી : બાદમાં પોતે આપઘાત કર્યો

ડેનવર નજીક એવરગ્રીન હાઈસ્કૂલમાં બનેલી ઘટના : પોલીસ પાંચ જ મિનિટમાં પહોંચી : એક ઘાયલ વિદ્યાર્થીની હાલત ગંભીર, અન્યની સ્થિર

ન્યૂયોર્ક: અમેરિકાના ડેનવર શહેરની એક હાઈસ્કૂલમાં ગુરુવારે બપોરે ગોળીબારની ઘટનાથી ભારે હાહાકાર મચી ગયો છે. એક વિદ્યાર્થીએ પોતાના બે સહપાઠીઓને ગોળી માર્યા બાદ પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
આ ઘટના કોલોરાડોની એવરગ્રીન હાઈસ્કૂલમાં બની, જે ડેનવરથી લગભગ ૩૦ માઈલ પશ્ચિમે રોકી માઉન્ટેન પાસે આવેલી છે. બપોરે ૧૨:૩૦ વાગ્યે પોલીસને ગોળીબારની જાણ કરવામાં આવી હતી.
જેફરસન કાઉન્ટી શેરિફ કાર્યાલયના પ્રવક્તા જેકી કેલીએ જણાવ્યું કે ગોળીબાર સ્કૂલની અંદર અને બહાર બંને જગ્યાએ થયો હતો. પોલીસ પાંચ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હુમલાખોરને શોધી કાઢ્યો. કેલીએ વધુમાં જણાવ્યું કે આસપાસના વિસ્તારમાંથી ૧૦૦થી વધુ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ કાઉન્ટીની કોલંબાઈન હાઈસ્કૂલમાં ૧૯૯૯માં થયેલા ગોળીબારમાં ૧૪ લોકો માર્યા ગયા હતા.
સેન્ટ એન્થોની હોસ્પિટલના સીઈઓ કેવિન કુલિનનના જણાવ્યા મુજબ, ગોળી વાગેલા કિશોરોને શરૂઆતમાં ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. તેમની ઉંમર હજુ સુધી જાણી શકાઈ નથી. ડો. બ્રાયન બ્લેકવુડે જણાવ્યું કે ઘાયલોમાંથી એક કિશોરની હાલત સાંજ સુધીમાં સ્થિર થઈ ગઈ છે અને તે હવે ભયમુક્ત છે. આ શાળામાં ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે જંગલ વિસ્તારથી ઘેરાયેલી છે. એક સ્થાનિક રહેવાસી ડોન સાઈગને જણાવ્યું કે, ૧૮ જેટલા વિદ્યાર્થીઓએ તેમના ઘરે આશરો લીધો હતો.

 

(12:59 PM IST)