News of Thursday, 11th September 2025
અગ્રણી ગુજરાતી કલાકાર સંજય ગોરડીયાની કોકિલાબેન હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી કરાઈ : સ્વાસ્થ્ય સારું હોવાની ખાતરી આપી :જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચાહકોને હળવા અંદાજમાં માહિતી આપી : આગામી નાટક ‘ઘેલાભાઈ ઘુઘરવાળા’નું પણ કર્યું પ્રમોશન : ફિલ્મ જગતમાંથી શુભેચ્છાઓનો ધોધ

મુંબઈ: ગુજરાતી રંગમંચ અને ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અને નિર્માતા સંજય ગોરડીયાની તબિયતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. હાલમાં તેઓ એન્જીયોગ્રાફી માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
વિડીયોમાં સંજય ગોરડીયા હોસ્પિટલના બેડ પર દર્દીના કપડાંમાં જોવા મળી રહ્યા છે. તેમણે પોતાના હાસ્યસભર અને હળવા અંદાજમાં કહ્યું, “અત્યારે હું કોકિલાબેન હોસ્પિટલમાં છું. એન્જીયોગ્રાફી થવાની છે. અંદર સોયો ભોંકીને નક્કી કરશે કે ક્યાં ક્યાં બ્લોકેજીસ છે.” પોતાના આગામી નાટક ‘ઘેલાભાઈ ઘુઘરવાળા’નો ઉલ્લેખ કરતાં તેમણે મજાકમાં કહ્યું, “એ લોકોને ખબર નથી કે હૃદયમાં તમે લોકો (તેમના ચાહકો) વસેલા છો. ૨૧મી સપ્ટેમ્બરે મારું નાટક છે. કંઈ થશે તો નાટકનું શું થશે? કંઈ થશે નહીં. એ લોકો તમને મારા હૃદયમાંથી કાઢી અને સ્ટેન્ટ મૂકવા માંગે છે. પ્રાર્થના કરજો, મારી માટે નહીં તમારી માટે કે તમને કાઢી ન મૂકે. ઓકે, હવે નાટકમાં મળીએ.”
ગોરડીયાના આ વિડીયો પર તેમના ચાહકો, મિત્રો અને ફિલ્મ જગતના કલાકારોએ શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો છે. અભિનેતા મલ્હાર ઠાકરે કોમેન્ટ કરી, “ગેટ વેલ સૂન! વિશિંગ યુ સ્પીડી રિકવરી.” તેમના નજીકના મિત્ર અને સહ-કલાકાર જેડી મજેઠિયાએ પણ તેમના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી અને લખ્યું, “તમારી પ્રક્રિયા સફળ રહે ભાઈ તે માટે શુભેચ્છા. ઉંમર કોઈ ફરક નથી પાડતી, તમારું કામ કરતા રહો.” આ ઉપરાંત, અભિનેતા હિતુ કનોડિયાએ પણ “સંજયભાઈ તમે જલદી સ્વસ્થ થઈ જશો. બધાની પ્રાર્થના તમારી સાથે છે” તેમ લખીને આશ્વાસન આપ્યું.
મીડિયા સાથેની વાતચીતમાં, સંજય ગોરડીયાએ જણાવ્યું કે તેમના સ્વાસ્થ્ય વિશે હવે ચિંતા કરવા જેવું કંઈ નથી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
