<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ઐશ્વર્યા રાયને મોટી રાહત : દિલ્હી હાઈકોર્ટે AI અને ડીપફેક દ્વારા નામ-ફોટોના ગેરકાયદેસર ઉપયોગ પર રોક લગાવી : માન-સન્માનની સુરક્ષા માટે મોટો ચુકાદો

કોર્ટે અભિનેત્રીના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કર્યું : ગુગલ અને IT મંત્રાલયને ૭૨ કલાકમાં લિંક્સ હટાવવાનો આદેશ : કોમર્શિયલ અને અંગત હેતુ માટેના દુરુપયોગ પર કડક કાર્યવાહી

નવી દિલ્હી: બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે અભિનેત્રીના નામ, ફોટા અને ઓળખનો અનધિકૃત ઉપયોગ તેમના ગોપનીયતાના અધિકાર અને ગરિમાનું ઉલ્લંઘન છે.
જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિતના ટેકનોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરીને અભિનેત્રીના નામ, છબી અને ઓળખનો દુરુપયોગ કરતા અનેક પક્ષકારો પર રોક લગાવી છે. કોર્ટે જણાવ્યું કે આ પ્રકારનો દુરુપયોગ માત્ર ઐશ્વર્યા રાયને આર્થિક નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તેના માન-સન્માન, પ્રતિષ્ઠા અને સદ્ભાવનાને પણ નુકસાન પહોંચાડે છે. કોર્ટે ઉમેર્યું કે તેના વ્યક્તિત્વનો ગેરકાયદેસર ઉપયોગ લોકોને એવું માનવા માટે ગેરમાર્ગે દોરી શકે છે કે તે કોઈ ઉત્પાદનો કે સેવાઓને સમર્થન આપી રહી છે.
કોર્ટે સ્પષ્ટતા કરી કે, “પર્સનાલિટી રાઈટ્સ (વ્યક્તિત્વના અધિકારો) વ્યક્તિને તેમની છબી, નામ અને ઓળખનો કેવી રીતે ઉપયોગ થાય છે, તેને નિયંત્રિત અને સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે.” કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવા દુરુપયોગથી ગરિમા સાથે જીવવાના અધિકાર પર પણ અસર થાય છે.
કોર્ટે અજાણ્યા પક્ષકારો સહિત અન્ય પ્રતિવાદીઓને "ઐશ્વર્યા રાય બચ્ચન" નામ, "એઆરબી" ઉપનામ, છબી, અને અન્ય વિશેષતાઓનો કોઈપણ કોમર્શિયલ અથવા અંગત હેતુ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતો એક આદેશ પસાર કર્યો છે. આ આદેશ AI, ડીપફેક, ફેસ મોર્ફિંગ અને મશીન લર્નિંગ સહિત તમામ ટેકનોલોજી પર લાગુ પડે છે.
કોર્ટે ગૂગલ એલએલસીને અરજીમાં ઉલ્લેખિત યુઆરએલને ૭૨ કલાકની અંદર હટાવી દેવાનો અને ઓપરેટર્સની સબસ્ક્રાઇબર માહિતી સીલબંધ ફોર્મેટમાં આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આઈટી મંત્રાલયને સાત દિવસમાં આ યુઆરએલને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અરજીમાં ઐશ્વર્યા રાયના વકીલ સંદીપ સેઠીએ કોર્ટને જણાવ્યું હતું કે, AI અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભિનેત્રીના ચહેરાને અશ્લીલ વિડીયો અને તસવીરોમાં મોર્ફ કરવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે અવાસ્તવિક અને ખોટા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “તેમના નામ અને ઓળખનો ઉપયોગ કોઈની જાતીય ઇચ્છાઓ સંતોષવા માટે થઈ રહ્યો છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.”
અરજીમાં નામ આપવામાં આવેલા પ્રતિવાદીઓમાં aishwaryaworld.com, apkpure.com, bollywoodteeshop.com, kashcollectiveco.com, ઈ-કોમર્સ પ્લેટફોર્મ Etsy, chatbot સાઇટ jainatorai.com, YouTube ચેનલો, Google LLC, IT મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગનો સમાવેશ થાય છે.

 

(2:04 PM IST)