News of Friday, 12th September 2025
દરેક હાઈકોર્ટમાં અનિર્ણિત ક્રિમિનલ અપીલનો જંગી ભરાવો
સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી અપીલની સુનાવણી વિના આરોપીઓ જેલમાં સબડે તો ‘મિસકેરેજ ઓફ જસ્ટિસ' ગણાશે

નવી દિલ્હી તા.૧૨: દેશની દરેક હાઈકોર્ટમાં લાંબા સમયથી પડતર ક્રિમિનલ અપીલની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી હોવાનું અવલોકન કરી સુપ્રીમ કોર્ટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. છ આરોપીઓ સામેના કેસની સુનાવણી લાંબા સમયથી હાઈકોર્ટમાં પડતર હોવાની નોંધ સાથે સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓની ત્રણ વર્ષની સજા રદ કરવા અને તેમને જામીન આપવા હુકમ કર્યો હતો.
છ આરોપીઓને કસૂરવાર ઠરાવી ટ્રાયલ કોર્ટે સજા આપી હતી અને તેની સામે આરોપીઓએ કરેલી અપીલની સુનાવણી હાઈકોર્ટમાં પડતર હતી. આરોપીઓની અરજીની સુનાવણી જાસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યુ હતું કે, અપીલ કરવાનો કાનૂની હક છે અને અરજદારો કસ્ટડી હેઠળ છે. દેશની દરેક હાઈકોર્ટમાં પડતર ક્રિમિનલ અપીલની સંખ્યા ઘણી મોટી છે. અરજદારોએ કરેલી અપીલની સુનાવણી થવાની શક્યતા જણાતી નથી. સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, અપીલ પર સુનાવણી વગર આરોપીઓએ આટલી સજા કાપવી પડે તો તેને મિસકેરેજ ઓફ જાસ્ટિસ કહી શકાય. હાઈકોર્ટે આ પાસાની વિચારણા કરી હોય તેમ લાગતું નથી. જેથી આ પાસાને ધ્યાને રાખી આરોપીઓની સજા રદ કરી તેમને કસ્ટડીમાંથી મુક્ત કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૫માં છત્તીસગઢ હાઈકોર્ટે છ આરોપીઓની સજા રદ કરવાની અરજી ફગાવી દીધી હતી અને આરોપીઓને દંડ ફટકાર્યો હતો. છ આરોપીઓમાંથી બેને ટ્રાયલ કોર્ટે પોક્સો એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, આરોપીઓએ આ હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છતાં હાઈકોર્ટમાં અપીલ અંગે નિર્ણય થઈ સક્યો ન હતો. જેથી તેમને ટ્રાયલ કોર્ટ નક્કી કરે તે શરતોને આધિન જામીન પર મુક્ત કરવા આદેશ અપાયો હતો. વધુમાં આ કેસની સુનાવણી તાકિદે હાથ ધરી યોગ્ય હુકમ કરવા અને બિનજરૂરી મુદતો નહીં પાડવા હાઈકોર્ટને નિર્દેશ આપ્યા હતા.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
