<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રાજયમાં ટેક્ષ લંડન-અમેરીકા જેવો, સુવિધા પાક.-અફઘાન જેવી

‘આમ આદમી પાર્ટી'ના પ્રદેશ અધ્‍યક્ષ ઇસુદાન ગઢવી અકિલાના આંગણે : ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો : નરેન્‍દ્રભાઇના સમયે ગુજરાત સલામત રાજય તરીકે ઓળખાતુ હતુ આજે પરિસ્‍થિતી વિપરીત થઇ ગઇ છેઃ દારૂ, ડ્રગ્‍સથી યુવા ધન બરબાદ : રસ્‍તામાં પડેલા ખાડાના કારણે વારંવાર સર્જાતા અકસ્‍માતો : સરકાર હવે તો જાગે

રાજકોટ, તા.,૧૧ :‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ‘આમ આદમી પાર્ટી'ના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ ઈશુદાન ગઢવીએ શુભેચ્‍છા મુલાકાત કરી હતી. ગુજરાતમાં ભાજપ સરકારથી લોકો કંટાળી ગયા છે. અનેક અણઉકેલ પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે હેલ્‍મેટ, મોંઘવારી, બેરોજગારી, રસ્‍તા સહિતના પ્રશ્નોથી લોકો ભાજપ સરકાર સામે નારાજ છે તેમ કહીને દિલ ખોલીને ઈશુદાન ગઢવીએ વિવિધ મુદ્દે પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા.

વર્તમાન ગુજરાત સરકારની કામગીરીને આપ કેવી રીતે મુલવો છો ? તે પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ ‘આમ આદમી પાર્ટી'ના અધ્‍યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, મને જોતા એવું લાગે છે કે, યા તો આ લોકોને કામ કરવું નથી અથવા તો તેમને સૂઝ પડતી નથી. અથવા તો ગુજરાતની ધુરા તેમણે સામેથી છોડી દેવી છે. આ ત્રણ વસ્‍તુ મને લાગે છે આ લોકો ટેક્‍સ આપણી પાસેથી અમેરિકા અને લંડન જેવા વસુલે છે. અને ફેસીલીટી પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન જેવી આપે છે.

આજે ગુજરાતમાં દરેક તબક્કે પહેલા એવું હતું કે કાનૂન વ્‍યવસ્‍થા સારી હતી કમસેકમ નરેન્‍દ્રભાઈ મોદીના સમયમાં જે સ્‍વીકારવું પડે.આજે હકીકત એ છે તે આપણે કહેવુ પડે આપણું ગુજરાત સલામત રાજ્‍ય તરીકે ઓળખાતું હતું. આજે માતા-બહેન પરેશાન છે ગમે ત્‍યારે છેડતી થાય છે કોઈ ફરિયાદ લેવા તૈયાર થતું નથી. કાનૂન વ્‍યવસ્‍થા અયોગ્‍ય છે                

ખેડૂતો પાકનુ ઉત્‍પાદન કરે અને વેચવા જાય ત્‍યારે ૬-૬ કિલોમીટરની લાઇનોમાં ઊભું રહેવું પડે છે પૂરતા ભાવ પણ મળતા નથી. આજે ખેડૂત પરેશાન છે, આઉટર્સોસિંગ કર્મચારીઓ પરેશાન છે દરેક યુવાનો પરેશાન છે ગરીબો વંચીતો, શોષિતોની તો વાત જ શું કરવી ? એનુ તો કોઈ જ સાંભળતું જ નથી. મને પોતાને દુઃખ થાય છે.હુ ભાજપ વાળાને વારંવાર બે હાથ જોડીને વિનંતી કરું છું, મુખ્‍યમંત્રીને પણ વારંવાર વિનંતી કરી છે. બે પાંચ વર્ષ આવતા હોય છે ઈશ્વર તમને ચાન્‍સ આપે છે ભગવાને એટલો આપણે આપણા ઉપર વિશ્વાસ મૂકયો છે કે ૭ કરોડ લોકોની સુખાકારી માટે મેનેજર તરીકે બેસાડ્‍યા છે છે.ત્‍યારે બેફામ પણે લૂંટ થાય  ત્‍યારે ખૂબ જ દુઃખ થાય.

રસ્‍તા તમે જુઓ ખંભાળિયાથી અમદાવાદ જાવ અથવા તો રાજકોટથી જુનાગઢ જાવ ત્‍યારે ખાડાઓમાં રસ્‍તા નહીં, રસ્‍તાઓમા ખાડા છે બહુ સ્‍થિતિ ખરાબ છે. એટલે મને એવું લાગે છે કે આ લોકોને ચલાવતા નથી આવડતું, કા  તો આ લોકોને ચલાવવામાં રસ નથી ધરાઈ ગયા છે અથવા તો એમ લાગે છે કે બહુ રાજ કર્યું, ભલે ‘વિસાવદરવાળી...' થાય.

આગામી હવે ચૂંટણી આવશે.રાજકોટમાં હેલ્‍મેટના નિયમનો કડક અમલ કરાવવા માટે ૪૦૦ જેટલા પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્‍યો અને ભય ફેલાઈ ગયો હતો હતો. રાજકોટમાં એક આતંક છવાઈ ગયો હોય તેવો માહોલ થઈ ગયો હતો અને એમાં ચૂંટણીની વાત આવે અને અમારે ત્‍યાં રાજકોટ કોર્પોરેશન ની ચૂંટણી છે અને આ અચાનક રાજકોટનો રોષ ભયાનક થયો બધા ધારાસભ્‍યોને ખબર પડી અને પહોંચ્‍યા અને અમલ અત્‍યારે ઢીલો કરાવી દીધો અને હવે ગુલાબનું ફૂલ આપવા લાગ્‍યા ત્‍યારે આગામી ચૂંટણીનું લઈને ‘આપ'ની આગામી રણનીતિ શું હશે ? તે પ્રશ્નના જવાબમાં ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, એક તો મેં કીધું ને એ લોકોને રોડ આપવા નથી, કાનુન વ્‍યવસ્‍થા આપવી નથી, દારૂના અડ્ડા બંધ કરવા નથી, ડ્રગ્‍સ બેફામ વેચાય છે. પોલીસ શેના માટે છે ઉઘરાણા શરૂ કરે છે. મજુર કે નોકરી ઉપર જનાર વ્‍યક્‍તિને બાઈક અને સ્‍કૂટર માટે ઈં ૫૦૦ ના દંડ કરે છે. પેટ્રોલ ઉપર ટેક્‍સ વસૂલવામાં આવે છે. ખાડા માટે સરકાર ટેક્‍સ વસુલે છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, સરકાર પોતાની જવાબદારી નિભાવતી નથી જો એ ટોપ લેવલની જવાબદારી નિભાવતા હોય તો ટેક્‍સ દેવામાં કોઈને વાંધો નથી રૂ.૫૦૦ નહીં હજાર-૨ હજાર દંડ આપવા વાંધો નથી પ્રજાએ બધું આપ્‍યા પછી રાજકોટમાં તમે જુઓ  કોર્પોરેટરો ભાજપના, ધારાસભ્‍યો ભાજપના, મંત્રીઓ ભાજપના, સાંસદો ભાજપના, છતાં રાજકોટ રંગીલુ કયાં રહયું ? રાજકોટમાં ચાલી નથી શકાતું.

ભાજપના ૧૬૧ ધારાસભ્‍યો જનતા વિશે કંઈ બોલી શકતા નથી તેમને ટિકિટ કપાવવાનો ભય છે. સાંસદો, મંત્રીઓ કઈ બોલી શકતા નથી. ૨૫ થી ૩૦ ની ઝડપે જતા બાઈક કે સ્‍કુટરમા હેલ્‍મેટની કયા જરૂર છે ? રાજય સરકાર પહેલા  રસ્‍તા તો સારા આપે , રાજકોટની માધાપર ચોકડી સહિતના વિસ્‍તારોમાં જુઓ તમે , હેલ્‍મેટ કરતા ખાડામા પડીને ઘણા લોકો અકસ્‍માતમાં મળત્‍યુ પામે છે. એની જવાબદારી સરકાર નથી લેતી, ભાજપ સરકારને ઉઘરાણા કરવામાં રસ છે એટલે પ્રજામા આ રોષ છે. માત્ર રાજકોટમા નહી બધી જગ્‍યાએ આ રોષ છે.

ગુજરાત પ્રદેશ ‘આમ આદમી પાર્ટી'ના અધ્‍યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, મારે ભાજપના લોકોને વિનંતી કરવી છે કે બોલો તમે આજે પ્રજાએ તમને ચૂટીને મોકલ્‍યા છે તો તમારી પણ જવાબદારી છે.બાકી ભાજપના આગેવાનો નહી બોલે તો લોકોને ભાજપનુ નામ લેતા એવું થશે કે મે પાપ કર્યું છે. આજે બ્રિજ તૂટે છે. અંગ્રેજોના સમયનું જેતપુર પાસેનુ બ્રિજ ૧૦૦ વર્ષથી ઉભુ છે. હમણાં સુધી પોરબંદરનુ જયુબીલી  બ્રિજ, ભરૂચ પાસેનો ગોલ્‍ડન બ્રિજ હજુ અડીખમ ઉભા છે. આવી ઘટનાઓમાં અનેકના પરિવાર છીનવાઇ જાય છે. આ જે પીડા છે ને પરિવાર જ જાણી શકે જેનો દિકરો-દિકરી કે પરિવારના સભ્‍ય ગુમાવ્‍યા હોય.

ઇસુદાન ગઢવીએ વધુમાં કહયું કે, રાજકોટના ટીઆરપી કાંડ-અગિ્નકાંડ વખતે પણ પાંચ દિવસ ચમરબંધીઓને છોડીશું નહી તેવું ભાજપના આગેવાનો કહેતા હતા પરંતુ એવું કાંઇ થયું ન હતું.

‘અકિલા' કાર્યાલયે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્‍યક્ષ ઇસુદાન ગઢવીની શુભેચ્‍છા મુલાકાત સમયે આમ આદમી પાર્ટીના હોદેદારો અજીતભાઇ લોખીલ, તેજશભાઇ ગાજીપરા, જનકભાઇ ડાંગર, સાજણભાઇ કારીયા, ઇમ્‍તીયાઝભાઇ ગઝાણ, કાનાભાઇ જામ, કાનાભાઇ રૂડાચ સહીતના ઉપસ્‍થિત રહયા હતા. 

કલેકટર-કમિશ્‍નર માત્ર પોતાની ચેમ્‍બરમાં બેઠા રહે છે 

રાજકોટ તા.૧૧: ઇસુદાન ગઢવીએ કહયુ કે, આપણો ભારત દેશ ગુલામ રહયો છે. કલેકટર ગ્રામ સભા લેવા જતા નથી. પોલીસ કમિશ્‍નર બહાર જતા નથી માત્ર ઓફિસમાં બેઠા રહે છે અને ફાઇલોમાં સહી કરે છે. તેઓએ પણ લોકોને મળીને સમસ્‍યા જાણવી જોઇએ.

મારે વ્‍યવસ્‍થા  પરિવર્તન કરીને ભગવાનની ભકિત  કરવી છેઃ ઇસુદાન

રાજકોટ તા.૧૧: ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે અમને ૭૦ કે ૭૫ વર્ષે મુખ્‍યમંત્રી મંત્રીના હોદાનો મોહ નથી રાખવો.

માત્ર ૫ કે ૧૦ વર્ષમાં વ્‍યવસ્‍થા પરિવર્તન કરીને ભગવાનની ભકિત કરવી છે. અમારે કાંઇ મેળવવુ નથી પરંતુ લોકોને તેના હક્કનું આપવું છે.

 

આપણે અમેરિકા-લંડન જવાનુ ન હોય ત્‍યાંના લોકો અહીં આવે

રાજકોટ તા.૧૧: ઇસુદાન ગઢવીએ જણાવ્‍યુ કે અમેરિકા, લંડન જવાનુ બંધ કરાવવુ છે એ લોકો ગુજરાતમાં કેમ ન આવે? આપણી પાસે ૫ લાખ કરોડનું બજેટ હોય છે છતા પણ ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ છે. સારી શાળા, કોલેજો હોય અને ભાવિ પેઢી સબળ પુરવાર થાય તે જરૂરી છે. સરકારી જમીન, ખરાબો, ગોૈચરો, ઉદ્યોગપતિઓને આપી દેવી, પવનચક્કીના કારણે ખેડૂતોને મુશ્‍કેલી સહિતના પ્રશ્‍નોથી ખેડૂતો હેરાન છે.

 

દોઢ મહિનામાં પ૦૦ જનસભા કરી : ઇસુદાન-ગોપાલ ઇટાલીયા તૈયાર કરવા છે

રાજકોટ, તા. ૧૧ :  ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું કે ૧૬ વર્ષ મે પત્રકારત્‍વ કર્યુ ત્‍યારે લોકોમાં ભાજપ તરફી પ્રેમ હતો, પરંતુ સાડા ૪ વર્ષથી રાજકારણમાં આવ્‍યો છુ ત્‍યારથી ચિત્ર બદલાયું છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું કે છેલ્લા દોઢ મહિનામાં પ૦૦ જનસભા કરી છે અને ૧૦૦ લીડરો ઉતાર્યા છે અને જીલ્લે-જીલ્લે ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા તૈયાર કરવા છે.

આ બધી જનસભાઓમાં સાડા સાત લાખ લોકો સહભાગી જોડાયા હતા અને ૧૦ હજાર ભાજપ, કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે મીસકોલ નંબર જાહેર કરાયા બાદ અત્‍યાર સુધીમાં ૬.ર૦ લાખ લોકો જોડાયા છે અને અમે પહોંચી નથી વળતા એટલા લોકો ‘‘આપ''માં જોડાવવા તત્‍પર છે.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું કે, મને એવુ લાગે છે કે, ૩૦ વર્ષ ભાજપ અને ૩૦ વર્ષ કોંગ્રેસનું શાસન જોયુ છે અને અમારા ઉપર લોકોની ઉમ્‍મીદ છે. અને ૩૦ ટકા સફળતા મેળવી છે. ઇશ્વર અમારી પાસે આ બધુ કરાવે છે અમે માત્ર નિમિત બનીએ છીએ. અને જુદી-જુદી સભાઓમાં લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળવા આવે છે.  રાજકોટની પેડક રોડ ઉપર મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતા જે અમારી કામ કરવાની નીતિને લોકો આવકારે છે તે દર્શાવે છે. 

વિસાવદરની ચૂંટણી વખતે ભાજપ તરફથી બુથના કાર્યકરોને રૂપિયાની ઓફર મળી'તી

રાજકોટ, તા. ૧૧: ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યુ કે વિસાવદરની ચૂંટણી સમયે તમામ બુથો માટે ૪પ ટીમો બનાવી હતી. અને બુથમાં કાર્યકરો ભાજપ વાળાએ ફોડવાના પ્રયાસ કર્યા હતા અને ફોન કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરોને એક-એક લાખ રૂપિયાની ઓફર થઇ હતી. ગુજરાત પર હજાર બુથ ઉપર કાર્યકરોની ટીમ તૈયાર કરીને પ૦ લાખ કાર્યકરો તૈયાર કરીને મજબુત ટીમ બનાવીશું.

અમે યુવાનોને આમંત્રણ આપીને ચૂંટણી લડવાની ઓફર કરી છે અને અસંખ્‍ય ફોર્મ ભરાઇને આવ્‍યા છે જેમાં સફળ થશુ તો ૧૦ હજાર યુવા ક્રાંતિકારીઓની ટીમ મળશે.

ર૦રર ની ચૂંટણી પછી ૧૮ર વિધાનસભા બેઠકનો પ્રવાસ કર્યો હતો. જેમાં ૪ર સીટો મુસ્‍લિમ સમુદાયવાળી છે.

 

ખેતીને ઉદ્યોગ બનાવીશુ અને ભ્રષ્‍ટાચારને નાબુદ કરીશુ

રાજકોટ, તા.૧૧: ઇસુદાન ગઢવીએ કહયુ કે અમારી સરકાર આવશે તો ખેતીને ઉદ્યોગ બનાવીશું અને ખેડૂતો મજુરો, વેપારીઓનો ઉત્‍થાન કરીશુ ભ્રષ્‍ટાચાર નાબુદ કરીશુ ૧૨ કલાક કામ કરનાર ગુજરાત હાલમાં કેવું રાજય થઇ ગયુ છે જયાં અંધાધુધ ચાલે છે દારૂ હોમ ડીલીવરી મળે છે અને પાણીના પરબની જગ્‍યાએ હવે વેંચાતુ લેવુ પડે છે.

નાણામંત્રી, ગૃહમંત્રી, મહેસુલમંત્રી સહિત કોઇને ખબર નથી પડતી અને ગેરરીતી આચરવામાં આખી યુવા પેઢી બરબાદ થઇ ગઇ છે. અને યુવાનો નિરાશામાં વ્‍યાપી છે. બોર્ડર ઉપર જાપાનની સિસ્‍ટમનો ઉપયોગ કરીને હથીયારો સાથે પ્રવેશનારને પકડી લેવાય તેવી ટેકનોલોજીનો અમલ થાય તેવી અમારી કલ્‍પના છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્‍યુ કે ભ્રષ્‍ટાચાર કરનાર મોટો દેશ દ્રોહી હોય છે. અમુક લોકો દ્વારકાધીશ ભગવાનને એકબાજુ ધ્‍વજા ચડાવે છે અને બીજી બાજુ ગોૈચરની જમીન પણ અમુક લોકો પડાવી લે છે. વ્‍યકિત પરિવારને કેમ સમય ફાળવી શકે? કરપ્‍શન, ભ્રષ્‍ટાચાર, લાગવગશાહી, મોંઘવારી નાબુદ કરીશું આઇપીએસ કરોડો  રૂપિયા કમાય છે અને સામાન્‍ય જનતા હેરાન છે. નેતાઓ પાસે કરોડો રૂપિયાની સંપતિ કયાંથી આવી? દારૂ, દુષણ, વ્‍યસન દેશીદારૂ વધ્‍યુ છે. 

પત્રકારત્‍વ ક્ષેત્રે લખી-બોલીને અવાજ ઉઠાવતોઃ હવે રૂબરૂ  લોકોની વાચા બનીએ છીએ

રાજકોટ તા.૧૧: ઇસુદાન ગઢવીએ જણાવ્‍યુ હતુ કે, પત્રકારત્‍વ ક્ષેત્રમાં હતો ત્‍યારે પગાર, માન, મોભો, મળતો હતો અને માત્ર લખીને કે બોલીને અવાજ ઉઠાવતા કામ તો સરકારને જ કરવાનુ હોય છે તેથી તેમાં મર્યાદા આવી જતી હતી. મને ગુજરાતની જનતાનો ખુબ જ પ્રેમ મળ્‍યો છે. ૧૭-૧૭ દિવસે પરિવારને મળી શકુ છુ. દવા કે ઇન્‍જેકશન લઇને સભા સંબોધવી પડે છે રાજકારણમાં સંઘર્ષ, મહેનત ખૂબ જ છે. અમને પ્રેમ ખુબ જ મળે છે વડિલો યુવાનો, મહિલાઓ મળે છે અમે લોકોને સાંભળીએ છીએ.

 

અરવિંદ કેજરીવાલની સભા બંધ રહી ત્‍યારે અસંખ્‍ય ફોન આવ્‍યા

રાજકોટ તા.૧૧: ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યુ કે, ચોટીલામાં થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલની સભા યોજાનાર હતી. પરંતુ ભારે વરસાદના કારણે સભા બંધ રાખવી પડી હતી. ત્‍યારે પણ અસંખ્‍ય લોકોના ફોન આવ્‍યા હતા અને લોકોએ અમારા પ્રત્‍યે પ્રેમ દર્શાવ્‍યો હતો. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યુ કે, અમે ગુજરાતની જનતાને નિતી- નિષ્‍ઠાથી વિશ્વાસ અપાવવામાં સફળ થયા છે. અડચણો આવી, ચેતરભાઇને જેલમાં ધકેલી દીધા અમને જેલમાં મોકલ્‍યા છતા પણ અમે અડીખમ ઉભા છીએ.

(11:05 AM IST)