News of Friday, 12th September 2025
જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર : અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેરહાજર રહેતા હાઈકમાન્ડ નારાજ, વેણુગોપાલે તાત્કાલિક હાંકી કાઢવાની વાત કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૯ પ્રમુખોના નબળા પ્રદર્શન પર વ્યક્ત કરી નારાજગી : પરફોર્મન્સ સુધારવા ૯૦ દિવસનું અલ્ટિમેટમ આપ્યું : લાલજી દેસાઈએ પ્રતાપ દુધાતની ગેરહાજરીનું કારણ આપ્યું

જૂનાગઢ: ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢમાં યોજાયેલી પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીએ ભારે ચર્ચા જગાવી છે. આ ગેરહાજરીની ગંભીર નોંધ લેતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "જે લોકો કામ કરવા ઈચ્છતા નથી તેમને પક્ષમાંથી તાત્કાલિક બહાર કાઢી મૂકવા જોઈએ."
શિબિરમાં હાજર રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૪૧ શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી ૯ પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આવા નેતાઓની સરખામણી "સડેલી કેરી" સાથે કરી, જે આખી ટોપલીને બગાડી શકે છે. ખડગેએ નબળી કામગીરી ધરાવતા આ ૯ પ્રમુખોને આગામી ૯૦ દિવસમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે, અન્યથા તેમને પદ પરથી હટાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પદ લઈને ઘરે બેસી રહેવું ચલાવી લેવાશે નહીં.
ખડગેના નિવેદન બાદ લાલજી દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ખડગે અમારા મુખિયા છે અને તેઓ જિલ્લા કક્ષાએ કોંગ્રેસનું કામ, જનતાના મુદ્દાઓ માટેની લડાઈ અને સંગઠન નિર્માણ જેવી પ્રક્રિયાઓ પર માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રતાપ દુધાતની ગેરહાજરી અંગે તેમણે કહ્યું કે પ્રતાપ દુધાતે તેમના કાકાના અવસાનને કારણે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી હતી, અને આ પક્ષની આંતરિક બાબત છે.
ખડગેએ પોતાના સંબોધનમાં ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન પણ રજૂ કર્યું. તેમણે જણાવ્યું કે ૪૧ પ્રમુખોમાંથી ૯ પ્રમુખો અપેક્ષા કરતા ઘણા પાછળ છે, જેમાં ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે. જ્યારે ૬ જિલ્લા પ્રદર્શનમાં પાછળ છે. બીજી તરફ, ૯ જિલ્લા રેન્કિંગમાં નંબર ૧ પર છે અને ૧૧ જિલ્લા નંબર ૨ પર છે, જ્યારે ૧૯ જિલ્લા નંબર ૩ કે તેનાથી પણ પાછળ છે.
દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના ૯ જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ હોવાનું જણાવીને ખડગેએ તેમની કામગીરીને બિરદાવી હતી. આ સાથે, તેમણે જીત મળે કે ન મળે, પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરવા માટે ભાર મૂક્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિકે જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો માટે દસ દિવસની શિબિર પહેલીવાર યોજાઈ છે, અને વેણુગોપાલે પણ સંગઠન મજબૂત બનાવવા હાકલ કરી હતી.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
