News of Friday, 12th September 2025
મોદી-જિનપિંગની વધતી મિત્રતાથી ટ્રમ્પને ટેન્શન? QUADને મજબૂત કરવા US રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે!
ગોરે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા ભારત સાથેના સંબંધોને એટલા મજબૂત બનાવવા માંગે છે કે ભારત ચીનથી દૂર રહે: "અમેરિકાની સાથે ભારતના સંબંધો બેઇજિંગ કરતાં ઘણા ગરમ છે."

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મિત્રતાએ અમેરિકન રાજકારણમાં હલચલ મચાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ટ્રમ્પના ટેરિફ યુદ્ધને કારણે બગડેલા ભારત-અમેરિકાના સંબંધોને ફરી પાટા પર લાવવા માટે હવે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ પહેલ કરી રહ્યા છે. ભારતમાં નવા નિયુક્ત અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં QUAD સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લઈ શકે છે.
આ મુલાકાત પાછળનું એક મુખ્ય કારણ ચીન અને રશિયા સાથે ભારતના વધતા સંબંધો છે. ગોરે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા ભારત સાથેના સંબંધોને એટલા મજબૂત બનાવવા માંગે છે કે ભારત ચીનથી દૂર રહે. તેમણે કહ્યું, "અમેરિકાની સાથે ભારતના સંબંધો બેઇજિંગ કરતાં ઘણા ગરમ છે."
આ જાહેરાત ખાસ કરીને એટલા માટે મહત્વની છે કારણ કે તાજેતરમાં જ પીએમ મોદીએ ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ત્રણેય નેતાઓ વચ્ચે અભૂતપૂર્વ કેમેસ્ટ્રી જોવા મળી હતી, જેણે અમેરિકા માટે ચિંતા ઊભી કરી છે.
ટ્રમ્પ આ મુલાકાત દ્વારા QUAD (ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા) ને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. ગયા વર્ષે યુએસ પ્રમુખ બિડેનની વ્યસ્તતાને કારણે ભારતમાં યોજાનારી QUAD સમિટને યુએસમાં ખસેડવામાં આવી હતી, પરંતુ હવે નવા નેતૃત્વ સાથે ટ્રમ્પ આ સંબંધોને વધુ ગતિ આપવા માંગે છે. આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ભારતને માત્ર એક વ્યાપારી ભાગીદાર તરીકે નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક વ્યૂહાત્મક મિત્ર તરીકે જોઈ રહ્યું છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
