<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ઓપનએઆઈના વ્હિસલબ્લોઅરનું રહસ્યમય મૃત્યુ: સેમ ઓલ્ટમેન કહે છે 'આત્મહત્યા', એલોન મસ્કનો સીધો આરોપ 'હત્યા'!"

તેમણે ઓપનએઆઈ દ્વારા મોડેલોને તાલીમ આપવા માટે કોપીરાઇટ ડેટાના ઉપયોગ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે તેમના મૃત્યુ પહેલાં એક કોર્ટ કેસનું કારણ બન્યા હતા.

 એઆઈ (AI) જગતની અંદરનું રહસ્યમય કાવતરું હવે જાહેર થઈ રહ્યું છે. ભારતીય મૂળના પ્રતિભાશાળી AI સંશોધક અને ઓપનએઆઈના વ્હિસલબ્લોઅર સુચિર બાલાજીના શંકાસ્પદ મૃત્યુ અંગે હવે બે સૌથી મોટા ટેક ટાઇટન, સેમ ઓલ્ટમેન અને એલોન મસ્ક, સામ-સામે આવી ગયા છે. એક તરફ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન બાલાજીના મૃત્યુને 'આત્મહત્યા' ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ એલોન મસ્ક અને વિવાદાસ્પદ એન્કર ટકર કાર્લસન તેને સ્પષ્ટપણે 'હત્યા' ગણાવી રહ્યા છે.

નવેમ્બર ૨૦૨૪માં, ઓપનએઆઈ પર કોપીરાઇટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યાના થોડા અઠવાડિયા પછી, ૨૬ વર્ષીય બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સત્તાવાર રીતે તેમના મૃત્યુને આત્મહત્યા જાહેર કરાઈ હતી, પરંતુ તેમના પરિવારે આ તારણને નકારી કાઢ્યું હતું.

ટકર કાર્લસન સાથેના એક ઇન્ટરવ્યૂમાં જ્યારે ઓલ્ટમેનને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કાર્લસને સીધો જ આરોપ લગાવ્યો કે, "તેની હત્યા કરવામાં આવી હતી, કારણ કે ઘટનાસ્થળે સંઘર્ષના સંકેતો અને લોહીના નિશાન હતા, સર્વેલન્સ કેમેરાના વાયર કાપી નાખવામાં આવ્યા હતા અને તેણે મૃત્યુના થોડા સમય પહેલા જ જમવાનો ઓર્ડર આપ્યો હતો."

ઓલ્ટમેને આ દાવાઓને નકારી કાઢતા કહ્યું કે, "તેણે આત્મહત્યા કરી હતી." જોકે, ઓલ્ટમેનના આ નિવેદન પછી તરત જ એલોન મસ્કે પણ ટકર કાર્લસનની ક્લિપ શેર કરીને લખ્યું, "તેમની હત્યા કરવામાં આવી હતી." આ ઘટનાથી ઓલ્ટમેન અને મસ્ક વચ્ચેનો વર્ષો જૂનો કાનૂની અને વ્યક્તિગત વિવાદ વધુ વણસ્યો છે.

બાલાજી ઓપનએઆઈના GPT-4 જેવા મુખ્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા, પરંતુ તેમણે નૈતિક ચિંતાઓનો ઉલ્લેખ કરીને કંપની છોડી દીધી હતી. તેમણે ઓપનએઆઈ દ્વારા મોડેલોને તાલીમ આપવા માટે કોપીરાઇટ ડેટાના ઉપયોગ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે તેમના મૃત્યુ પહેલાં એક કોર્ટ કેસનું કારણ બન્યા હતા.

 

(5:39 PM IST)