News of Friday, 12th September 2025
સહારાના લાખો થાપણદારો માટે ખુશીના સમાચાર! સુપ્રીમ કોર્ટે SEBI-સહારા ફંડમાંથી વધુ ₹૫૦૦૦ કરોડની ચૂકવણીનો આદેશ આપ્યો
અગાઉના ₹૫,૦૦૦ કરોડના વિતરણની સાથે આ નવા ફંડના વિતરણની સમયમર્યાદા પણ વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ કરી: ૧૩ લાખથી વધુ રોકાણકારોના દાવા ચકાસણીના તબક્કામાં

સહારા ગ્રુપની સહકારી મંડળીઓમાં રોકાણ કરનારા લાખો થાપણદારો માટે આજે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વિનંતીને સ્વીકારીને, સેબી-સહારા ફંડમાંથી વધુ ₹૫,૦૦૦ કરોડની રકમનું વિતરણ કરવાની મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ થાપણદારોના બાકી લેણાં ચૂકવવા માટે કરવામાં આવશે.
જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે આ આદેશ આપ્યો છે અને અગાઉના ₹૫,૦૦૦ કરોડના વિતરણની સાથે આ નવા ફંડના વિતરણની સમયમર્યાદા પણ વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ કરી છે.
કેવી રીતે થશે ચૂકવણી?
કોર્ટના આદેશ મુજબ, આ રકમ સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝને એક સપ્તાહમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી કરશે.
અગાઉ, પ્રથમ તબક્કામાં ₹૫,૦૦૦ કરોડનું વિતરણ એક ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના હેઠળ અત્યાર સુધીમાં ૨૬ લાખથી વધુ થાપણદારોને ₹૫,૦૦૦ કરોડથી વધુનું રિફંડ મળી ચૂક્યું છે. હજુ પણ ૧૩ લાખથી વધુ રોકાણકારોના દાવા ચકાસણીના તબક્કામાં છે, જેમણે કુલ ₹૨૭,૮૪૯ કરોડનો દાવો કર્યો છે.
આ નિર્ણય સહારાના તે લાખો નાના રોકાણકારો માટે આશાની નવી કિરણ લઈને આવ્યો છે, જેઓ ઘણા વર્ષોથી પોતાની મહેનતની કમાણી પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની આ દખલગીરીથી કરોડો રૂપિયાનું રિફંડ મળવાનો માર્ગ વધુ સરળ બનશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
