News of Friday, 12th September 2025
નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી બનશે કાર્યકારી વડાપ્રધાન : દેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે સર્વસંમતિથી લેવાયો નિર્ણય
ભ્રષ્ટાચાર વિરોધી 'જેન-ઝેડ' પ્રદર્શનોના દબાણથી કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યા બાદ સંસદ ભંગ કરાઈ : સુશીલા કાર્કી આજે જ રાત્રે ૯ વાગ્યે શપથ ગ્રહણ કરશે

કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા રાજકીય અને સામાજિક ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી 'જેન-ઝેડ' જૂથના મોટાપાયે પ્રદર્શનોને કારણે કે.પી. શર્મા ઓલીને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, જેના બાદ દેશની સંસદને ભંગ કરવામાં આવી હતી.
સુશીલા કાર્કીના નામ પર તમામ મુખ્ય રાજકીય પક્ષો અને 'જેન-ઝેડ' જૂથના પ્રતિનિધિઓ વચ્ચે સર્વસંમતિ સધાઈ હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા મુજબ, શપથ ગ્રહણ સમારોહ આજે રાત્રે ૯ વાગ્યે યોજાશે.
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને સેના પ્રમુખ અશોક રાજ સિગડેલે એક બંધારણીય નિષ્ણાત સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે 'જેન-ઝેડ' પ્રદર્શનકારીઓ સુશીલા કાર્કીને વડાપ્રધાન તરીકે ઈચ્છતા હતા, જે તેમની ઈમાનદારી, નિષ્ઠા અને ભ્રષ્ટાચાર વિરોધી વલણ માટે જાણીતા છે. તેઓ નેપાળના પ્રથમ અને એકમાત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના કારણે નેપાળમાં વર્ષોમાં સૌથી હિંસક ઉથલપાથલ શરૂ થઈ હતી, જેમાં ૫૧ લોકોના મૃત્યુ થયા અને ૧૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઓલીના રાજીનામા બાદ જ હિંસાનો અંત આવ્યો હતો.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
