<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

બરેલીમાં બૉલીવુડ અભિનેત્રી દિશા પટનીના ઘરની બહાર ફાયરિંગ : ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા ગેંગે જવાબદારી સ્વીકારી

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુંડાઓએ કહ્યું કે દિશાની બહેને સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું છે : વિવાદ બાદ દિશા અને ખુશ્બુ પટનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દિશા પટનીના ઉત્તર પ્રદેશના બરેલી સ્થિત ઘરની બહાર શુક્રવારે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા ગેંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે.
પોલીસના રિપોર્ટ મુજબ, આ ઘટના સિવિલ લાઇન્સ, બરેલી સ્થિત દિશા પટનીના ઘર (વિલા નંબર ૪૦) પર બની હતી. ફાયરિંગની જવાબદારી લેતા ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, “અમે, વીરેન્દ્ર ચરણ, મહેન્દ્ર શરણ (ડેલાના) ભાઈઓ, આજે ખુશ્બુ પટની/દિશા પટની (બોલીવુડ અભિનેત્રી)ના ઘરની બહાર જે ફાયરિંગ થયું, તે અમે કરાવ્યું છે. તેણે અમારા પૂજ્ય સંતો (પ્રેમાનંદ જી મહારાજ અને અનિરુદ્ધાચાર્ય જી મહારાજ)નું અપમાન કર્યું હતું. તેણે અમારા સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.”
આ પોસ્ટમાં વધુમાં ધમકી આપવામાં આવી હતી કે, "આ તો માત્ર ટ્રેલર હતું. જો આગલી વખતે તે કે અન્ય કોઈ અમારા ધર્મ પ્રત્યે કોઈ અશ્લીલતા બતાવશે તો અમે તેમના ઘરના કોઈને જીવતા નહીં છોડીએ. આ સંદેશ માત્ર તેના માટે નહીં, પરંતુ ફિલ્મ જગતના તમામ કલાકારો અને તેમની સાથે જોડાયેલા લોકો માટે છે. જે કોઈ ભવિષ્યમાં અમારા ધર્મ અને સંતો પ્રત્યે અપમાનજનક કૃત્ય કરશે, તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે. જો અમારા ધર્મના રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જવું પડે તો અમે તૈયાર છીએ."
આ ઘટના બાદ અભિનેત્રી દિશા અને તેની બહેન ખુશ્બુએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે, આ વિવાદ દિશાની બહેન ખુશ્બુ પટનીએ એક આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્યની મહિલાઓ અને લિવ-ઇન રિલેશનશિપ વિશેની ટિપ્પણીઓ પર કરેલી ટીકાથી શરૂ થયો હતો. ખુશ્બુએ આ ગુરુના એ નિવેદનનો વિરોધ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ૨૫ વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ જે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, તે "૪ જગ્યાએ મોઢું મારીને આવે છે." ખુશ્બુએ તેમના આ નિવેદનને "સર્વોચ્ચ કક્ષાની બકવાસ" ગણાવી હતી અને કહ્યું હતું કે આવા લોકો રાષ્ટ્ર વિરોધી છે.

(9:56 PM IST)