<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ગણેશ ઉત્‍સવની ઉજવણી દરમ્‍યાન બેકાબૂ ટ્રકે અફરાતફરી મચાવીઃ ૮ લોકોના મોત

કર્ણાટકમાં મોટી દુર્ઘટના

 

 

હાસન તા.૧૩: કર્ણાટકના હાસન જિલ્‍લામાં ગણેશ ઉત્‍સવની વચ્‍ચે એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં મોસાલેહોસલ્‍લી ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૭૩ પર શુક્રવારે મોડી રાતે ફુલ સ્‍પીડે આવી રહેલા ટેન્‍કર ટ્રકે ડિવાઈડર તોડી ગણેશ વિસર્જન ઝુલૂસમાં ઘૂસી ગઈ હતી. અચાનક થયેલી આ દુર્ઘટનામાં ઘટનાસ્‍થળ પર ૮ લોકોના મોત થઈ ગયા છે, જ્‍યારે ૨૫થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

એસપી હાસન મોહમ્‍મદ સુઝીથાએ જણાવ્‍યું કે, દુર્ઘટનામાં ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તેમાંથી ૫ લોકોના મોત ઘટનાસ્‍થળે થઈ ગયા છે. જ્‍યારે ૩ લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્‍યો. ગંભીર રીતે ઘાયલ ૮ લોકોની સારવાર ચાલી રહી છે અને ૧૨ અન્‍ય ઇજાગ્રસ્‍ત થયા છે. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, હાઈવેની એક તરફ હજારોની ભીડ ગણેશ ઉત્‍સવનો જશ્ન મનાવી રહી હતી, જ્‍યારે બીજી તરફથી વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્‍યારે અચાનક એક ટ્રક બેકાબૂ થઈ અને ભીડમાં ઘૂસી ગઈ. દુર્ઘટના બાદ ઘટનાસ્‍થળે દેકારો થઈ ગયો હતો અને લોકો આમતેમ ભાગવા લાગ્‍યા હતા.

સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે દુર્ઘટના એટલી ભયાનક હતી કે કેટલાય લોકો ટ્રકની નીચે આવી ગયા અને અમુક ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. દુર્ઘટનાની તરત બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ આવી પહોંચ્‍યા. ઘાયલોને નજીકની હોસ્‍પિટલમાં દાખલ કર્યા છે. જ્‍યાં કેટલાય લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.(૩૮.૨)

 

(10:05 AM IST)