<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

કચ્છમાં 'નો રોડ, નો ટોલ' આંદોલન રંગ લાવ્યું : નેશનલ હાઈવેની કથળતી હાલત સામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ચલાવેલા ચક્કાજામ બાદ ૪ ટોલનાકા ટોલ-ફ્રી જાહેર!

અધિકારીઓએ બે દિવસમાં ખખડધજ હાઈવે પર પેચવર્ક કરવાની ખાતરી આપી : સોમવાર મધ્યરાત્રિ સુધી સૂરજબારી, સામખિયાળી, મોખા અને માખેલ ટોલનાકા પર વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે નહીં

ભુજ: કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની અત્યંત ખરાબ હાલતથી નારાજ ટ્રાન્સપોર્ટ એસોસિએશને 'નો રોડ, નો ટોલ'ના નારા સાથે શરૂ કરેલા ચક્કાજામ આંદોલનને સફળતા મળી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ આગામી બે દિવસમાં જર્જરિત રસ્તાઓ પર પડેલા ખાડાઓનું પેચવર્ક કરવાની ખાતરી આપી છે. આ સાથે જ, સોમવાર, ૧૫ સપ્ટેમ્બરની મધ્યરાત્રિ સુધી કચ્છના ૪ મુખ્ય ટોલનાકા - સૂરજબારી, સામખિયાળી, મોખા અને માખેલ - ટોલ-ફ્રી જાહેર કરવામાં આવ્યા છે.
ટ્રાન્સપોર્ટરોની લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોને અવગણવામાં આવતા, તેમણે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું. આ સત્યાગ્રહને પગલે મોડી રાત્રે NHAIના રિજનલ ઓફિસર સુશીલ યાદવ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તાત્કાલિક કચ્છ પહોંચ્યા હતા. ટ્રાન્સપોર્ટરો સાથે યોજાયેલી મધ્યરાત્રિની બેઠકમાં ટ્રાન્સપોર્ટરો તેમની માંગણીઓ પર અડગ રહ્યા હતા. ત્યારબાદ આજે સવારે ફરી એકવાર ઉચ્ચ અધિકારીઓ અને એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં આ મામલાનો સુખદ અંત આવ્યો.
ઉલ્લેખનીય છે કે આ આંદોલનના કારણે ૪૫થી વધુ વાહનોના પૈડાં થંભી ગયા હતા. ટ્રાન્સપોર્ટ એસોસિએશને ચેતવણી આપી હતી કે જો માર્ગોની હાલત નહીં સુધરે તો આંદોલન ચાલુ રહેશે. કચ્છના ૭ ટોલનાકાઓ પર દૈનિક રૂ. ૪ કરોડનો ટોલ વસૂલવામાં આવતો હોવા છતાં માર્ગોની હાલત અત્યંત ખરાબ છે.
આ દરમિયાન, ખેડોઈ ગામના સ્થાનિકોએ પણ ગાંધીધામ-મુંદ્રા નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ડ્રગ્સના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. ગ્રામજનોએ રસ્તા પર પસાર થતા ટ્રક ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને છાશ પીવડાવી નશો ન કરવા અપીલ કરી હતી.

 

(2:41 PM IST)