<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

લંડનમાં આખા ક્રિકેટ વિશ્વને હચમચાવી નાખતી ધટના : એક ભૂતપૂર્વ ક્રિકેટર પર બે મહિલાઓ સાથે જાતીય શોષણ અને ડ્રગ્સના ઉપયોગનો આરોપ

આ ઘટના ચેલ્સીમાં આવેલા ‘ધ બાઉન્ડ્રી’ નામના પબમાં બની જેમાં ઇંગ્લેન્ડના ઘણા પ્રખ્યાત ક્રિકેટરો બ્રેન્ડન મેક્કુલમ (હાલના ઇંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ), જોસ બટલર, ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ જેવા ખેલાડીઓ ભાગીદાર

નવી દિલ્હી તા.૧૩

લંડનમાં બનેલી આ ઘટનાએ આખા ક્રિકેટ વિશ્વને હચમચાવી નાખ્યું છે. એક ભૂતપૂર્વ ક્રિકેટર પર બે મહિલાઓ સાથે જાતીય શોષણ અને ડ્રગ્સના ઉપયોગનો આરોપ મૂકાયો છે. આ કેસ પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) અને અનેક દિગ્ગજ ખેલાડીઓ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.

આ ઘટના ચેલ્સીમાં આવેલા ‘ધ બાઉન્ડ્રી’ નામના પબમાં બની હતી. આ પબ ઇંગ્લેન્ડના ઘણા પ્રખ્યાત ક્રિકેટરો સાથે જોડાયેલો છે. તેમાં બ્રેન્ડન મેક્કુલમ (હાલના ઇંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ), જોસ બટલર, ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ જેવા ખેલાડીઓ ભાગીદાર છે. 22 મેના રોજ આ પબમાં બે મહિલાઓને એવા પીણાં આપવામાં આવ્યા જેમાં નશીલા પદાર્થો ભેળવેલા હોવાનો આરોપ છે. ત્યાર બાદ એક મહિલાની સાથે જાતીય શોષણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ કેસની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે જૂન મહિનામાં 40 વર્ષીય એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે.

આ કેસ માત્ર એક ખેલાડી સુધી સીમિત નથી રહ્યો. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પર પણ આક્ષેપો થઈ રહ્યા છે કે તેઓ પહેલેથી જ આ ઘટનાથી વાકેફ હતા છતાં મૌન ધારણ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડ ક્રિકેટમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે. એક ભૂતપૂર્વ કાઉન્ટી કોચ અને એક વ્યાવસાયિક કોચ પર પણ સમાન આરોપો લાગ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ડ્રગ સ્પાઇકિંગનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિના પીણાંમાં તેની જાણ વગર નશીલા અથવા માનસિક અસર કરનારા પદાર્થો ભેળવવા. આનો ઉપયોગ ઘણી વાર લોકોને બેભાન કરવા, તેમની સંમતિ વિના તેમને નિયંત્રિત કરવા અથવા તેમના પર હુમલો કરવા માટે થાય છે. એકંદરે, આ કેસ ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે વધુ એક શરમજનક ઘટના બની છે. હવે જોવાનું એ રહેશે કે આરોપી ક્રિકેટર સામે શું કાર્યવાહી થાય છે અને ECB આ મુદ્દે કેટલી જવાબદારી લે છે.

(5:08 PM IST)