News of Saturday, 13th September 2025
ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા રાહુલ ગાંધી ફરી જુનાગઢ આવશે: પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે આપશે હાજરી
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડની કવાયત : જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન

લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી અને જિલ્લા પ્રમુખોને રાજકીય પાઠ શીખવી માર્ગદર્શન આપ્યું હતું. જણાવી દઈએ કે, 10 થી 19 સપ્ટેમ્બર સુધી જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે.
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે જાણે કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા 6 મહિનામાં લોકસભા વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે હવે એવી માહિતી આવી છે કે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. ગઈકાલે જુનાગઢ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. જો કે, હવે પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે પણ રાહુલ ગાંધી જુનાગઢ આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનામાં રાહુલ ગાંધીનો આઠમો ગુજરાત પ્રવાસ છે.
માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા માટે કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 19 સપ્ટેમ્બર સુધી આ પ્રશિક્ષણ શિબિર યોજાશે,જેમાં નવનિયુક્ત પ્રમુખોને રાજકીય પાઠ, વ્યૂહરચના અને રણનીતિ અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. કોંગ્રેસનાં ટોચનાં નેતાઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, બંધારણને બચાવાની નેમ સાથે ગુજરાતમાં રાજકીય જમીન ફરી મજબૂત કરવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. જે હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં સતત બીજીવાર પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી છે. પારદર્શક અને સમાવેશી નેતૃત્વ પસંદગીની પ્રક્રિયા પર કોંગ્રેસ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. “મિશન 2027” હેઠળ સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ લોકોનાં પ્રશ્નોને લઈને નવી લડાઈ લડશે અને ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારનાં મુદ્દા લોકો સુધી લઈ જશે તેમ કોંગ્રેસનાં એક નેતાએ જણાવ્યું હતું.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
