હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપરેશન સિંદૂર પછી પણ ભારત-પાક મેચ કેમ? પહેલગામ હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પરિવારનો સવાલ
પીડિત પરિવાર કહે છે આ મેચના આયોજનથી અમે દુઃખી અને નારાજ છીએ, આતંકવાદનો સામનો કરતી વખતે રમત-ગમતના નામે પણ કોઇ સંબંધ રાખવો ન જોઇએ

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારોએ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો સખત વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી દેશ આતંકવાદ સામે લડી રહ્યો છે, ત્યાં સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો રાખવા યોગ્ય નથી. આ પરિવારોએ સરકારની નીતિઓ અને 'ઓપરેશન સિંદૂર'ની અસરકારકતા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આજે દુબઈમાં યોજાનારી આ મેચ પહેલગામ હુમલા બાદ પહેલીવાર ભારત અને પાકિસ્તાનને ક્રિકેટ મેદાન પર આમને-સામને લાવશે. જોકે, આ હુમલામાં પીડિત પરિવારો આ મેચના આયોજનથી દુઃખી અને નારાજ છે. તેમનું માનવું છે કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરતી વખતે રમતગતના નામે પણ કોઈ સંબંધ રાખવો ન જોઈએ.
પહેલગામ હુમલામાં પોતાના પતિ અને પુત્ર ગુમાવનાર ભાવનગરના કિરણ યતીશ પરમારે મેચ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ પૂછ્યો કે જ્યારે 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે, તો પાકિસ્તાન સાથે આ મેચ શા માટે યોજાઈ રહી છે? તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી છે કે આ હુમલામાં પીડિત પરિવારોને મળીને તેમની પીડાને સમજવાનો પ્રયાસ કરે, કારણ કે તેમના ઘા હજુ તાજા છે.
કિરણ યતીશ પરમારના પુત્ર સાવન પરમારે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો ખરેખર આ મેચ રમવી જ હોય તો પહેલા ગોળીઓથી વીંધાઈ ગયેલા તેમના 16 વર્ષના ભાઈને પાછો લાવો. સાવને વધુમાં કહ્યું કે જ્યારે તેમણે ભારત-પાકિસ્તાન મેચ વિશે સાંભળ્યું ત્યારે તેમનું મન ખૂબ જ વિચલિત થઈ ગયું. તેમણે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવતા તેની સાથે કોઈપણ પ્રકારના સંબંધો ન રાખવાની વાત કરી.
સાવન પરમારે 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, 'જ્યારે આતંકવાદી દેશ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમાઈ રહી છે, ત્યારે અમને આ ઓપરેશન પણ નિરર્થક લાગી રહ્યું છે.' તેમણે ઉમેર્યું કે આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવા સમયે ક્રિકેટ મેચનો કોઈ અર્થ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
