<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

સોશ્‍યલ મીડિયામાં ભારત-પાક. બોયકોટ મેચની આગ ડ્રેસીંગ રૂમ સુધી પહોંચી

બોયકોટ મેચ વિવાદ બાદ ભારતીય ખેલાડીઓ ચિંતામાં મુકાયા, કોચ ગંભીરે ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફ સાથે લાંબી ચર્ચા કરી

નવી દિલ્‍હીઃ આજે રાતે 8 વાગ્યે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર છે પરંતુ મેચ શરુ થાય તે પહેલાં માઠા સમાચાર સામે આવ્યાં છે જેનાથી ટીમના ખેલાડીઓ ચિંતામાં મૂકાયા હતા. હકીકતમાં મેચ પહેલાં સોશિયલ મીડિયામાં બોયકોટ મેચ એવો ટ્રેન્ડ શરુ થયો હતો. આ ટ્રેન્ડ ખૂબ ચાલતાં તેની આંચ ડ્રેસિંગ રુમ સુધી પહોંચી હતી.

બોયકોટ મેચ વિવાદ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચિંતામાં મૂકાયા હતા. ભારતીય ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત અન્ય સપોર્ટ સ્ટાફ સાથે લાંબી ચર્ચાઓ થઈ છે. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર ભારે ચિંતામાં જોવા મળ્યાં હતા અને તેમણે લાંબી લાંબી ચર્ચાઓ શરુ કરી હતી. ખેલાડીઓને પ્રોફેશનલ રહેવા અને મેચને અન્ય કોઈપણ મેચની જેમ લેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ શું તેઓ એવું કરી શકે છે? હાલમાં દુબઈમાં રહેલી ભારતીય ટીમ એક યુવા ટીમ છે. બધા ખેલાડીઓની નજર સોશિયલ મીડિયા પર છે. તેઓ પોતાના મોબાઈલ પર જોઈ રહ્યા છે કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને કેવી રીતે પહોંચી ગયો છે. લોકો BCCIનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં તણાવ સ્પષ્ટપણે અનુભવી શકાય છે, કારણ કે આટલી મોટી મેચ પહેલા, ન તો મુખ્ય કોચ, ન કેપ્ટન, ન તો કોઈ ખેલાડી મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. મેચની પૂર્વસંધ્યાએ, ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટને પ્રેસ કોન્ફરન્સમાં મોકલવામાં આવ્યા હતા.

જેમ હંમેશા બને છે તેમ જ્યારે જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે. દેશ આખામાં તેની જ ચર્ચા ચાલતી હોય છે અને આખો દેશ આ મેચ જોતો હોય છે એટલે એક રીતે લોકોમાં ક્રેઝ હોય છે પરંતુ આ વખતની મેચમાં આવો કોઈ ક્રેઝ જોવાયો નથી, અરે ત્યાં સુધી કે ટીકિટ વેચવામાં પણ ફાંફો પડ્યાં છે.

ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. એશિયા કપ પહેલા, ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમશે તે નક્કી નહોતું. પરંતુ ભારત સરકારે લીલી ઝંડી આપ્યા પછી, BCCI એ તેની ટીમ દુબઈ મોકલવાનો નિર્ણય લીધો. આ સમયે સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે છે. લોકો નથી ઇચ્છતા કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમે. કારણ કે પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. કોઈનો પતિ બરબાદ થઈ ગયો હતો અને કોઈનો ભાઈ ગયો હતો. લોકો તે વાતને લઈને ખૂબ ગુસ્સે છે.

(1:10 PM IST)