<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

વિદ્યાર્થીએ જ 8 સાથી વિદ્યાર્થીની આંખમાં નાંખી ફેવીક્વિક, રાત્રે ઉંઘતા સમયે કરી ખતરનાક હરકત

ઓડિશાના કંધમાલ જિલ્‍લામાં બની વિચિત્ર ઘટનાઃ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્‍યાઃ કલેકટરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

કંધમાલઃ ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની હતી. અહીંની સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં સૂતેલા 8 વિદ્યાર્થીઓની આંખોમાં તેમના જ સહપાઠીઓએ ફેવિકિક નાંખી દીધી હતી. આના કારણે વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી અને તેમને  હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

  કંધમાલ જિલ્લાના ફિરંગિયા બ્લોકમાં આવેલી સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓ ઊંઘી રહ્યા હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળીને અન્ય 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી દીધી હતી તેનાથી તેમની આંખો ચોંટી ગઈ હતી. તરત જ, આ વિદ્યાર્થીઓને ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને કેટલાકને વધુ સારવાર માટે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ફેવિકિકને કારણે આંખોને નુકસાન થયું છે, પરંતુ સમયસર સારવાર મળવાથી મોટી સમસ્યા ટળી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી હતી. કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને આ અંગે વધુ માહિતી મેળવી હતી. આ ઉપરાંત, કલેક્ટરે આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.  

(1:53 PM IST)