હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
1986 માં ભારતે કર્યો હતો એશિયા કપ બોયકોટ, જાણો શું હતું કારણ
તે સમયે શ્રીલંકામાં ગૃહયુધ્ધની પરિસ્થિતિ હતી, સુરક્ષાના કારણ ભારત સરકારે બીસીસીઆઇને ટીમ શ્રીલંકા ન મોકલવાનો આદેશ આપ્યો હતો, પરિણામે ભારતે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું

નવી દિલ્હીઃ પહેલગામ હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને મંજૂરી આપવાના નિર્ણયથી ભારતીય ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર #BoycottIndiaPakistanMatch હેશટેગ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે, ફેન્સ એશિયા કપ (Asia Cup) ની 1986ના એડિશનને યાદ કરી રહ્યા છે, જ્યારે ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
એશિયા કપની પ્રથમ એડિશન 1984માં UAEમાં યોજાઈ હતી, જેમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યાર બાદ, 1986માં બીજી એડિશનનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું. જોકે, તે સમયે શ્રીલંકામાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ હતી. સુરક્ષાના કારણોસર, ભારત સરકારે BCCIને ટીમ શ્રીલંકા ન મોકલવાનો આદેશ આપ્યો હતો. પરિણામે, ભારતે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
ભારતની ગેરહાજરીમાં, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે એશિયા કપમાં એન્ટ્રી કરી હતી અને તે સમયે બાંગ્લાદેશે એક પણ વન-ડે મેચ રમી ન હોવાથી, આ ટુર્નામેન્ટમાં તેમનું વન-ડે ડેબ્યૂ થયું હતું. તે ટુર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને પહેલીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
ભારતે 1988ના એશિયા કપમાં પુનરાગમન કર્યું અને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું. 1990માં ભારતે પહેલીવાર એશિયા કપનું આયોજન કર્યું હતું, ત્યારે પાકિસ્તાને બહિષ્કાર કર્યો હતો. તે સમયે ભારતે ફરી એકવાર શ્રીલંકાને હરાવીને ખિતાબ જાળવી રાખ્યો હતો. 1993માં યોજાનારી એડિશન રદ કરવામાં આવી હતી, જ્યારે 1995માં ફરીથી યોજાયેલી ટુર્નામેન્ટમાં પણ ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
વર્તમાન એશિયા કપની 17મી એડિશન યુએઈના અબુ ધાબી અને દુબઈમાં યોજાઈ રહી છે. આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે, પરંતુ પહેલગામ હુમલા બાદ ભારતીય ફેન્સમાં આ મેચને લઈને ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો સતત મેચ રદ કરવાની માંગ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
