<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ઘરેલું વપરાશના હજારો ઉત્પાદનો સસ્તા બનશે અને સામાન્ય માણસની ખિસ્સાનો ભાર ઘટશે: નાણામંત્રી

કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ચેન્નઈમાં આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “આ નિર્ણય ભારતના દરેક નાગરિક માટે એક મોટી જીત છે

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે 22 સપ્ટેમ્બર 2025થી દેશભરમાં નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઘરેલું વપરાશના હજારો ઉત્પાદનો સસ્તા બનશે અને સામાન્ય માણસની ખિસ્સા પરનો ભાર ઘટશે. કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ચેન્નઈમાં આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “આ નિર્ણય ભારતના દરેક નાગરિક માટે એક મોટી જીત છે.”  

    વિત્ત મંત્રીએ જણાવ્યું કે 99% આવશ્યક વસ્તુઓ પર હવે ઓછી જીએસટી લાગશે. અત્યારસુધી જે વસ્તુઓ પર 12% દરે GST વસુલાતો હતો, હવે તેમાં ઘટાડો કરીને માત્ર 5% કરવામાં આવ્યો છે. તેનાથી ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, ખાદ્ય તેલ, ઘી, ચા, ટીવી, એસી જેવા રોજબરોજના વપરાશના ઉત્પાદનો સસ્તા થશે. 3 સપ્ટેમ્બર 2025ના રોજ GST કાઉન્સિલની 56મી બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. અત્યારસુધી જે ચાર અલગ અલગ GST સ્લેબ હતા 5%, 12%, 18% અને 28% તેમાં હવે ફેરફાર કરીને માત્ર બે મુખ્ય સ્લેબ રાખવામાં આવ્યા છે: 5% અને 18%. 12% અને 28%ના દરો હટાવવામાં આવ્યા છે. 

     જોકે, લક્ઝરી અને નુકસાનકારક વસ્તુઓ માટે એક અલગ 40% નો હાઈ સ્લેબ રહેશે. નવા દરોથી માત્ર ગ્રાહકોને નહીં પણ ઉત્પાદન ક્ષેત્રને પણ ફાયદો થશે. મંત્રી સીતારમણે જણાવ્યું કે ઇનપુટ કૉસ્ટ ઘટવાને કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. તેનાથી ઉદ્યોગકારોને નફો વધારવા અને ગ્રાહકોને ઓછી કિંમતે સામાન આપવા બંનેમાં સહૂલત થશે. તેમણે ઉમેર્યું કે, “સવારની પેસ્ટથી લઈને રાત્રે સૂતા પહેલા વપરાતા તમામ દૈનિક ઉત્પાદનોમાં હવે લોકોne સીધી બચત થશે.”  

(6:16 PM IST)