<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં એક ભારતીય સહીત 72 લોકોના મોત :2113 લોકો ઘાયલ

પોલીસ અને વહીવટી કર્મચારીઓ હિંસા દરમિયાન નુકસાન પામેલા શોપિંગ મોલ અને અન્ય ઇમારતોમાંથી મૃતદેહો મેળવી રહી છે.

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે તાજેતરના Gen Z વિરોધ પ્રદર્શનોમાં એક ભારતીય નાગરિક સહિત 72 લોકો માર્યા ગયા છે. નેપાળના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયાના ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક વધીને 72 થયો છે. પોલીસ અને વહીવટી કર્મચારીઓ હિંસા દરમિયાન નુકસાન પામેલા શોપિંગ મોલ અને અન્ય ઇમારતોમાંથી મૃતદેહો મેળવી રહી છે.

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા પ્રકાશ બુડાથોકીએ જણાવ્યું હતું કે શોપિંગ મોલ, ઘરો અને અન્ય ઇમારતોમાં જ્યાં આગ લગાવવામાં આવી હતી અથવા હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં માર્યા ગયેલા ઘણા લોકોના મૃતદેહ હવે મળી રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નેપાળમાં દાયકાઓમાં થયેલી સૌથી ખરાબ હિંસામાં ઓછામાં ઓછા 2113 લોકો ઘાયલ થયા છે. અનેક સરકારી ઇમારતો, દેશની સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, પોલીસ ચોકીઓ, વાણિજ્યિક સંસ્થાઓ તેમજ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી સહિત રાજકારણીઓના ખાનગી ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.

 

તમને જણાવી દઈએ કે સોમવારે (8 સપ્ટેમ્બર) ના રોજ કાઠમંડુમાં સંસદ ભવન પર થયેલા તોફાન દરમિયાન પોલીસ ગોળીબારમાં 19 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. મંગળવારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. સોમવારના પ્રદર્શન દરમિયાન થયેલા મૃત્યુના વિરોધમાં સેંકડો વિરોધીઓ તેમના રાજીનામાની માંગણી સાથે તેમના કાર્યાલયમાં ઘૂસી ગયા.

 

ઓલીના રાજીનામા પછી પણ હિંસા ચાલુ રહી અને વિરોધીઓએ સંસદ, રાષ્ટ્રપતિ કાર્યાલય, વડા પ્રધાન નિવાસસ્થાન, સરકારી ઇમારતો, રાજકીય પક્ષના કાર્યાલયો અને વરિષ્ઠ નેતાઓના ઘરોમાં આગ લગાવી દીધી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળ પોલીસ દળ ધીમે ધીમે કાઠમંડુ ખીણમાં તેની કામગીરી ફરી શરૂ કરી રહ્યું છે અને જ્યાં તોડફોડ અથવા આગચંપી થઈ હતી ત્યાં પોલીસ સ્ટેશનો અને ચોકીઓમાં ધીમે ધીમે કામ શરૂ થઈ રહ્યું છે.

 

નોંધનીય છે કે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને ઓલીના સ્થાને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમને 5 માર્ચ, 2026 ના રોજ યોજાનારી નવી સંસદીય ચૂંટણીઓ યોજવાની જવાબદારી સોંપવામાં આવી છે.

(6:23 PM IST)