<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

રાજસ્થાનના જયપુર નજીક ગમખ્વાર અકસ્માત: હરિદ્વાર ગંગા નદીમાં પિતાના અસ્થિ પધરાવી પરત ફરતા એક જ પરિવારના સાત સભ્યોના કરૂણ મોત: ઓવરસ્પીડ કાર ૧૬ ફૂટ નીચે પાણી ભરેલા અંડરપાસમાં ખાબકી

શિવદાસપુરા પાસે કાળનો કહેર: બે સગા ભાઈ અને બંનેની પત્નીઓ તથા ૨ બાળકો અને બે મહિલા સહિત તમામ ૭ પરિવારજનોના મોતથી અરેરાટી

જયપુર: રાજસ્થાનના જયપુર નજીક શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર રવિવારના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂણ મોત નિપજ્યા છે. હરિદ્વાર ખાતે પિતાની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરી પરત ફરી રહેલા પરિવારની કાર બેકાબૂ બનીને અંડરપાસમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, અજમેર જિલ્લાના કેકડીના વતની અને હાલ જયપુરના વાટિકા ક્ષેત્રમાં રહેતા કાલુરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત આવી રહ્યા હતા.

શિવદાસપુરામાં પ્રહલાદપુરા નજીક રિંગરોડ પર તેમની કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને લગભગ ૧૬ ફૂટ નીચે પાણી ભરેલા અંડરપાસમાં ખાબકી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્થાનિક લોકોએ રવિવારે બપોરે પાણીમાં કારને પડેલી જોઈને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ શિવદાસપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી.

પોલીસ અધિકારી શિવદાસપુરાના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કાલુરામ, તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને તેમની પત્ની મધુ, ૧૪ મહિનાનો ભત્રીજો ઉદ્ર, રોહિત અને તેમનો ત્રણ વર્ષનો દીકરો ગજરાજ તરીકે થઈ છે. એક જ પરિવારના સાત સભ્યોના અકાળે અવસાનના સમાચાર મળતા જ તેમના ગામ અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

(7:29 PM IST)