<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

હૈદરાબાદમાં મુશળધાર વરસાદે સર્જી તારાજી: ખુલ્લા નાળામાં ખાબકતા પિતા-પુત્ર તણાયા; અનેક વિસ્તારો જળબંબાકાર, જનજીવન ઠપ્પ: હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે: શેખપેટ, મુશીરાબાદ, જ્યુબિલી હિલ્સ અને હાઈટેક સિટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઠેર-ઠેર ટ્રાફિક જામ

હૈદરાબાદમાં શનિવાર રાતથી વરસી રહેલા ભારે વરસાદે ભયંકર તારાજી સર્જી છે. શહેરના નાગોલે વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર અકસ્માતે ખુલ્લા નાળામાં ખાબકતા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેમની શોધખોળ માટે ટીમો કામે લાગી છે. રવિવારે સાંજે થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારો, ખાસ કરીને શેખપેટ, મુશીરાબાદ, જ્યુબિલી હિલ્સ અને હાઈટેક સિટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહેતા આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. વરસાદી કહેર વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટનામાં પિતા અને પુત્રના નાળામાં તણાઈ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

પિતા-પુત્ર નાળામાં તણાયા, શોધખોળ ચાલુ

સૌથી કરુણ ઘટના શહેરના નાગોલે વિસ્તારમાં બની હતી. શનિવારે મોડી રાત્રે, ૪૫ વર્ષીય રમેશ અને તેમનો ૧૮ વર્ષીય પુત્ર રોહિત બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાં તેઓ ખુલ્લા સ્ટોર્મ વોટર ડ્રેન (નાળા)નો અંદાજ લગાવી શક્યા નહીં અને બાઈક સહિત નાળામાં ખાબક્યા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને જોતજોતામાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જે હજુ પણ ચાલુ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં ઠેર-ઠેર જળબંબાકાર, ટ્રાફિક જામ

રવિવારે સાંજે માત્ર બે-ત્રણ કલાકના ધોધમાર વરસાદે હૈદરાબાદને થંભાવી દીધું હતું. મુશીરાબાદ, શેખપેટ, ખૈરતાબાદ, જ્યુબિલી હિલ્સ, બંજારા હિલ્સ, માધાપુર અને હાઈટેક સિટી જેવા પોશ વિસ્તારો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને કિલોમીટરો લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા લોકો અને રવિવારની રજા માણવા નીકળેલા શહેરીજનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.

તંત્ર એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

શહેરની વણસેલી પરિસ્થિતિને જોતા  તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. મેયર વિજયાલક્ષ્મી ગડવાલે પોતે કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અનેક ટીમો દ્વારા ઠેર-ઠેર ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે મોટર પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ હૈદરાબાદ અને આસપાસના જિલ્લાઓમાં આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્રએ નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

 

(11:07 PM IST)