News of Monday, 15th September 2025
જયપુરમાં અકસ્માતમાં બે પરિવારના ૭ લોકોનાં મોત
રિંગરોડ પરથી કાર અનિયંત્રિત થઈને અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ખાબકી

જયપુર,તા.૧૫: રાજસ્થાનના પાટનગર જયપુરમાં શનિવારે મોડી રાત્રે એક ભીષણ માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા છે. શિવદાસપુર પોલીસ સ્ટેશનની હદમાં એક કાર રિંગ રોડ પરથી અનિયંત્રિત થઈને લગભગ ૧૬ ફૂટ નીચે અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ખાબકી હતી. કારમાં બે પરિવાર હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા.
દુર્ઘટનાની જાણકારી ત્યારે સામે આવી, જ્યારે સ્થાનિક લોકોએ અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબેલી કાર જોઈ હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને બહાર કાઢ્યા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટના એટલી દુખદ હતી કે આખા વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે. પોલીસે મામલાની તપાસ શરુ કરી છે.
પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યું કે મૃતકોમાં સાંગાનેરના રહેવાસી ટેક્સી ડ્રાઇવર રામરાજ વૈષ્ણવ, તેમની પત્ની મધુ અને ૧૪ મહિનાનો પુત્ર રુદ્ર સામેલ છે. સાથે જ તેમના સાઢૂ, કેકડી(અજમેર) ના રહેવાસી કાલુરામ, પત્ની સીમા, પુત્ર રોહિત અને ત્રણ વર્ષનો પૌત્ર ગજરાજ પણ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. આ તમામ લોકો હરિદ્વારથી અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ભીષણ દુર્ઘટના બની છે.(૪૦.૭)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
