<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

મેનહટનમાં મુકેશભાઇએ ૧૫૪ કરોડનું લીધું ‘મકાન' : હોલીવુડની હસ્‍તીઓ છે પાડોશી

ન્‍યુયોર્કના વૈભવી વિસ્‍તારમાં ૨૦,૦૦૦ વર્ગફુટમાં છે બંગલો

 

ન્‍યુયોર્ક, તા.૧૫: એશિયાના સૌથી ધનિક વ્‍યક્‍તિ અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અમેરિકાના ન્‍યુ યોર્કના સૌથી ધનિક વિસ્‍તાર મેનહટનમાં એક નવી ઇમારત ખરીદી છે. મેનહટનના પોશ ટ્રિબેકા વિસ્‍તારમાં ૧૧, હુબર્ટ સ્‍ટ્રીટ ખાતે આવેલી આ છ માળની ઇમારત માટે લગભગ ૧૫૪ કરોડ રૂપિયા (૧૭.૪ મિલિયન ડોલર) ચૂકવવામાં આવ્‍યા છે. રસપ્રદ વાત એ છે કે, હોલીવુડ સેલિબ્રિટી રોબર્ટ ડી નીરો અને ટેલર સ્‍વિફ્‌ટના પણ આ વિસ્‍તારમાં ઘર છે.

અંબાણીએ આ ઇમારત ટેક અબજોપતિ અને યુબિક્‍વિટીના ચેરમેન રોબર્ટ પેરા પાસેથી ખરીદી છે. આ ઇમારત છેલ્લા ૧૦ વર્ષથી ખાલી પડી છે. પેરાએ આ ઇમારતમાં પ્રખ્‍યાત આર્કિટેક્‍ટ એરિક કોબ પાસેથી લગભગ ૧૭૦૦૦ ચોરસ ફૂટ વિસ્‍તારની વૈભવી રહેણાંક હવેલીનો નકશો તૈયાર કરાવ્‍યો હતો અને જરૂરી મંજૂરીઓ પણ લીધી હતી, પરંતુ તેના પર આગળ કોઈ કામ કરવામાં આવ્‍યું ન હતું. તેમના પહેલા આર્કિટેક્‍ટ માયા લિન અને વિલિયમ બિયાલોસ્‍કીએ આ જગ્‍યાએ લગભગ ૨૦૦૦૦ ચોરસ ફૂટ વિસ્‍તારના ઘરનો નકશો તૈયાર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે રિલાયન્‍સ દ્વારા આ સંપાદન પછી, મુકેશ અંબાણી અહીં ઘર બનાવી શકે છે.

અંતાલ્‍યા સાથે કોઈ સરખામણી નથીઃ મુકેશ અંબાણીનો ભાવિ બંગલો મેનહટનમાં વિશ્વના સૌથી પોશ વિસ્‍તાર ટ્રિબેકામાં હોવાથી અલગ મહત્‍વ ધરાવે છે, પરંતુ તે મુંબઈમાં તેમના વર્તમાન બંગલા અંતાલ્‍યા કરતા ઘણો નાનો હશે. બ્રિટનના શાહી નિવાસસ્‍થાન બકિંગહામ પેલેસ પછી અંતાલ્‍યાને વિશ્વનું સૌથી મોંઘુ ખાનગી નિવાસસ્‍થાન કહેવામાં આવે છે.

આ જમીન એક જૂના ગેરેજની છેઃ મીડિયા અહેવાલો અનુસાર, હુબર્ટ અને કોલિસ્‍ટર સ્‍ટ્રીટ્‍સના ખૂણા પર અંબાણીએ જે ઇમારત ખરીદી છે તે જૂના ગેરેજની જગ્‍યાએ સ્‍થિત છે.

હાલની ઇમારત મૂળ રીતે આર્કિટેક્‍ટ વિન્‍કા ડુબેલડેમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તે તેના માલિક હતા. બાદમાં, આ ઇમારત છેલ્લા ઘણા વર્ષોથી બજારમાં આવતી-જતી રહી છે. પેરા સહિત બે અગાઉના ખરીદદારોએ આ સ્‍થળે એક વિશાળ રહેણાંક હવેલી બનાવવાનું સ્‍વપ્‍ન જોયું હતું, પરંતુ તે સાકાર થયું નહીં.

બે વાર મંજૂરી મળી, એક રદ થઈ ગઈ, એક જાળવી રાખ્‍યો

અહેવાલ મુજબ, પહેલા માયા લિન અને બિયાલોસ્‍કી અને પછી એરિન કોબ દ્વારા ડિઝાઇન યોજનાઓને લેન્‍ડમાર્ક્‍સ કમિશનની મંજૂરી મળી હતી. માયા લિનની ડિઝાઇનની મંજૂરી સમાપ્ત થઈ ગઈ છે જ્‍યારે કોબ દ્વારા બનાવેલા પ્‍લાનની મંજૂરી આગામી થોડા મહિનામાં સમાપ્ત થઈ જશે. માયા લિનની સાથે યોજના બનાવનાર બિયાલોસ્‍કીએ અંબાણી વતી જગ્‍યા ખરીદવા પર ટિપ્‍પણી કરી હતી કે તેમની પાસે (અંબાણી) પાસે એટલા પૈસા છે કે તેઓ હાલની યોજનાઓને બદલે નવેસરથી કામ કરશે.

મેનહટનમાં ખરીદાયેલ બંગલો : આર્કિટેક્‍ટ કોબ અને માયા લિનના પ્‍લાનમાં આ ડિઝાઇન. એક માળ પર પ્રાઇમરી સ્‍યુટ, ઓફિસ સાથે, હાફ બાસ્‍કેટબોલ કોર્ટ, બમણી ઊંચાઈનો લિવિંગ રૂમ. કિચન હોલ, બે ડાઇનિંગ હોલ અને બે બાર હોલ. બે ગેસ્‍ટ બેડરૂમ સહિત સાત બેડરૂમ, ૫૦૦૦ ચોરસ ફૂટનો સ્‍પોર્ટ્‍સ અને ફિટનેસ રૂમ, ઓલિમ્‍પિક સ્‍વિમિંગ પૂલ. ૧૧ બાથરૂમ, કૂતરાઓ માટે અલગ હોલ, કાર સ્‍ટેકર સાથે ડબલ પહોળું ગેરેજ.(૨૩.૮)

(10:57 AM IST)