<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય: અરજીને બંધ કરી દીધી: કોંગ્રેસે કર્યો કટાક્ષ, ' કાશ! બધા કેસોનો આટલો ઝડપી નિકાલ થતો હોત!'

જામનગરમાં 28,000 એકર વિસ્તારમાં ફેલાયેલું વંતારાનું નામ 'વન' અને 'તારા' (વનના સિતારા) પરથી છે: આ કેન્દ્ર કરે છે હાથી, વાઘ, સિંહ જેવા પ્રાણીઓનો બચાવ અને પુનર્વસન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગરમાં સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશનના વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્ર 'વંતારા' સામે દાખલ થયેલી અરજીને બંધ કરી દીધી છે. કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ વંતારાને 'ક્લીનચીટ' આપી છે. આ નિર્ણય પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કટાક્ષ કરતા કહ્યું કે કાશ બધા કેસોનો નિકાલ આટલી ઝડપથી થયો હોત, તે પણ 'સીલબંધ પરબિડીયું' સિસ્ટમ વગર.
 
SIT રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સર્વોચ્ચ અદાલતે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ વંતારા કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને તેને ૧૨ સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. SIT એ તેનો રિપોર્ટ 'સીલબંધ કવર'માં રજૂ કર્યો, અને ૧૫ સપ્ટેમ્બરે કોર્ટે તેની ભલામણો સ્વીકારી લીધી.

જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વંતારામાં પ્રાણીઓને રાખવા માટેના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને પ્રાણીઓ કાયદા મુજબ જ લાવવામાં આવ્યા છે. કોર્ટે આ મામલે કોઈપણ શંકાને અયોગ્ય ગણાવીને કેસ બંધ કરી દીધો.
 
જયરામ રમેશનો કટાક્ષ
કોંગ્રેસના મહાસચિવ અને ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે 'X' પર પોસ્ટ કરીને આ નિર્ણય પર વ્યંગ કર્યો. તેમણે લખ્યું, "ભારતીય ન્યાયિક વ્યવસ્થા જ્યારે નિર્ણય લે છે ત્યારે સૌથી ઝડપી ગતિએ કામ કરે છે, જ્યારે વિલંબ તેની ઓળખ બની ગયો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જો રહસ્યમય 'સીલબંધ કવર' સિસ્ટમ વિના પણ બધા કેસોનો આટલી ઝડપથી અને સ્પષ્ટ રીતે નિકાલ કરવામાં આવે તો તે ખૂબ જ સારું રહેશે.

વંતારા, જેનું નામ 'વન' અને 'તારા' (વનના સિતારા) પરથી રાખવામાં આવ્યું છે, તે જામનગરમાં 28,000 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ કેન્દ્ર હાથી, વાઘ, સિંહ જેવા પ્રાણીઓનું બચાવ અને પુનર્વસન કરે છે.

 

(6:04 PM IST)