<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

અમેરિકન્‍સને લોનના હપ્તા ભરવાના ફાંફા : ઘટી રહ્યો છે ક્રેડિટ સ્‍કોર

જોબ માર્કેટમાં મંદી ઉપરાંત જીવનનિર્વાહનો ખર્ચો વધી જતાં અમેરિકાના સામાન્‍ય પરિવારો માટે બે છેડા ભેગા કરવું મુશ્‍કેલ બન્‍યું : છેલ્‍લે ૨૦૦૯માં આ પ્રકારની સ્‍થિતિ જોવા મળી હતી

 

ન્‍યુયોર્ક તા.૧૭: અમેરિકામાં હાલ ભલે સત્તાવાર રીતે મંદી નથી ચાલી રહી પરંતુ દેશના લોકોનો ક્રેડિટ સ્‍કોર ૨૦૦૯ની મંદી બાદ સૌથી વધુ ઝડપથી ઘટી રહ્યો છે, ખાસ તો જીવનનિર્વાહનો ખર્ચો વધતા તેમજ લોન્‍સ ચૂકવવામાં ફાંફા પડી રહ્યા હોવાથી તેની સીધી અસર લોકોના ક્રેડિટ સ્‍કોર પર થઈ રહી છે. એનાલિટિક્‍સ કંપની ફેર ઈસાક કોર્પોરેશન એટલે કે FICO દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક ડેટા અનુસાર FICOની નેશનલ એવરેજ ચાલુ વર્ષે બે ટકા જેટલી ઘટી છે અને છેલ્‍લે ૨૦૦૯માં આ પ્રકારની સ્‍થિતિ જોવા મળી હતી.

આમ તો ૨૦૦૯ની મંદી કરતા હાલ લોકોનો એવરેજ ક્રેડિટ સ્‍કોર ઘણો સારો છે, પરંતુ સતત બીજા વર્ષે તેમાં ઘટાડો જોવા મળ્‍યો છે. FICOના રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે કાર લોન્‍સ, ક્રેડિટ કાર્ડનું બિલ તેમજ પર્સનલ લોન ચૂકવવામાં ફાંફા પડી રહ્યા હોય તેવા અમેરિકન્‍સની સંખ્‍યા વધી રહી છે. તેમાંય ખાસ તો યંગ અમેરિકન્‍સને હાલ જોબ શોધવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો હોવાથી તેમના માટે એજ્‍યુકેશન લોન ભરવું અસંભવ બની જતાં તેમના પર ખૂબ જ પ્રેશર છે. તેના કારણે યંગ જનરેશનના ક્રેડિટ સ્‍કોરમાં સૌથી વધુ ત્રણ પોઈન્‍ટ્‍સનું ધોવાણ થયું છે જે કોવિડ પેન્‍ડેમિક બાદ સૌથી વધુ છે.

એક તરફ અમેરિકાના સ્‍ટોક માર્કેટમાં હાલ જોરદાર તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ દેશના સામાન્‍ય લોકોને બે છેડા ભેગા કરવામાં ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે. FICOના સિનિયર ડિરેક્‍ટર ટોમી લીએ આ અંગે ઘ્‍ફફ સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે ઈકોનોમીના ગ્રાફમાં હાલ K શેપ જોવા મળી રહ્યો છે, જેમાં સ્‍ટોક માર્કેટમાં રોકાણ તેમજ પોતાનું મકાન ધરાવતા લોકોના ઈન્‍વેસ્‍ટમેન્‍ટની વેલ્‍યૂ વધી રહી છે જ્‍યારે બાકીના લોકો વ્‍યાજના ઉંચા દર અને અફોર્ડેબિલિટીની સમસ્‍યાથી પરેશાન છે.

૨૦૦૮ બાદ હાલ અમેરિકામાં બેરોજગારીનો દર ઝડપથી વધી રહ્યો છે અને જોબ્‍સ ના હોવાથી ઘણા અમેરિકન્‍સ કાર અથવા મોર્ગેજ લોન ભરવામાં ડિફોલ્‍ડ થઈ રહ્યા છે. ૨૦૧૩થી ૨૦૨૩ના ગાળામાં અમેરિકન્‍સનો એવરેજ ક્રેડિટ સ્‍કોર દર વર્ષે વધ્‍યો હતો, મતલબ કે સમયસર પોતાના બિલ્‍સ પે કરી રહ્યા હોય તેમજ લોનના હપ્તા ભરી રહ્યા હોય તેવા લોકોની સંખ્‍યા વધી રહી હતી.

જોકે, ૨૦૨૪માં એવરેજ ક્રેડિટ સ્‍કોર એક પોઈન્‍ટ ઘટ્‍યો હતો. આમ તો એક પોન્‍ટનો ઘટાડો કોઈ મોટી વાત નથી પરંતુ મહત્‍વનું એ છે કે દસ વર્ષમાં પહેલીવાર તેમાં ૨૦૨૪માં ઘટાડો થયો હતો અને ૨૦૨૫માં પણ આ ટ્રેન્‍ડ યથાવત રહ્યો છે. હાલ પણ અમેરિકાનો એવરેજ ક્રેડિટ સ્‍કોર ૭૧૫-૭૨૦ની વચ્‍ચે છે, પરંતુ જો જોબ માર્કેટમાં સુધારો ના થયો તેમજ ઈકોનોમિક સ્‍ટ્રેસ યથાવત રહ્યો તો તેમાં હજુય ઘટાડો થઈ શકે છે.

FICOના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ઓટો લોન્‍સ, ક્રેડિટ કાર્ડનું બિલ તેમજ પર્સનલ લોન્‍સના હપ્તા સમયસર ના ભરી શકનારા લોકોનું પ્રમાણ ૨૦૦૯ના સ્‍તરની ખૂબજ નજીક પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે ઈકોનોમીનું કદ વધવાને બદલે સંકોચાઈ રહ્યું છે. જોકે, મોર્ગેજ અને હોમ ઈક્‍વિટી લોન ડેલિનક્‍વેન્‍સી રેટ હાલ પણ હિસ્‍ટોરિકલ લો પર છે.

પરંતુ ૧૪ ટકા યંગસ્‍ટર્સના ક્રેડિટ સ્‍કોરમાં છેલ્‍લા એક વર્ષમાં ૫૦ પોઈન્‍ટ્‍સથી પણ વધુનો ઘટાડો થયો છે જેનું સૌથી મોટું કારણ એજ્‍યુકેશન લોન છે. હાલ અમેરિકાના દર ત્રીજા સ્‍ટૂડન્‍ટની લોન ચાલુ છે, ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં ૬.૧ મિલિયન સ્‍ટૂડન્‍ટ્‍સ તેમની લોનનો હપ્તો સમયસર નહોતા ભરી શક્‍યા અને આ સેગમેન્‍ટમાં ડેલિનક્‍વેન્‍સી રેટ ૨૯ ટકાના રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયો હતો.(૩૮.૫)

 

(9:46 AM IST)