હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫: એક સમયે ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર ગણાતું પશ્ચિમ બંગાળ હવે ઉદ્યોગો માટે 'કબ્રસ્તાન' બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિંગુર અને નંદીગ્રામમાં ટાટાના પ્લાન્ટને લઈને થયેલા વિવાદ પછી, ફરી એકવાર રાજ્યમાં સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે સંઘર્ષની જ્વાળા ભડકી છે. આ વખતે, મમતા બેનર્જી સરકારે એક એવો નવો કાયદો પસાર કર્યો છે, જેણે ગ્રાસિમ, અલ્ટ્રાટેક, ડાલમિયા જેવી દિગ્ગજ કંપનીઓને કોલકાતા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા માટે મજબૂર કરી છે.
શું છે આ વિવાદાસ્પદ કાયદો?
પશ્ચિમ બંગાળ સરકારે તાજેતરમાં એક બિલ પસાર કર્યું છે, જે ઉદ્યોગોને મળતા તમામ પ્રોત્સાહનો અને સબસિડી નાબૂદ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે આ કાયદાને ૧૯૯૩થી એટલે કે ૩૨ વર્ષ પહેલાંથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે! આનો સીધો અર્થ એ થાય છે કે, છેલ્લા ત્રણ દાયકામાં કંપનીઓને મળેલા તમામ લાભો અને કરમુક્તિઓ સરકારે પાછા માગ્યા છે. કંપનીઓનો આરોપ છે કે, આ ગેરબંધારણીય પગલું છે, જે ઉદ્યોગો પર અતિ ગંભીર નાણાકીય બોજ નાખશે.
કંપનીઓએ શા માટે કોર્ટનો સહારો લીધો?
અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ લિમિટેડ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, નુવોકો વિસ્ટાસ અને દાલમિયા સિમેન્ટે આ કાયદા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓ દલીલ કરી રહ્યા છે કે, સરકારનો આ કાયદો માત્ર વ્યાપાર વિરોધી નથી, પરંતુ તે બંધારણની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. આ કેસની સુનાવણી ૭ નવેમ્બરના રોજ થશે, જેના પર સૌની નજર રહેશે.
સરકારનો પક્ષ શું છે?
સરકારનું કહેવું છે કે, આ કાયદો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળ એકત્ર કરવાનો છે. સરકાર માને છે કે, ઉદ્યોગોને પ્રોત્સાહનો આપવાને બદલે તે પૈસાનો ઉપયોગ સમાજના ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે થવો જોઈએ. આ પગલું, જોકે, ઉદ્યોગ જગતને સખત રીતે નિરાશ કરી રહ્યું છે. એક વરિષ્ઠ ઉદ્યોગપતિના મતે, પશ્ચિમ બંગાળ સરકાર વિકાસને બદલે કલ્યાણકારી યોજનાઓને પ્રાધાન્ય આપી રહી છે, જે રાજ્યમાં નવા ઉદ્યોગોને આવતા અટકાવશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM