<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જલ્લાદ કે મેડમ? બાલાઘાટમાં વિદ્યાર્થીઓએ શિક્ષિકા વિરુદ્ધ કલેક્ટરને કરી અનોખી ફરિયાદ!: આત્મહત્યાની ધમકી અને તોડફોડ: વાલીઓએ તાળાબંધીની ઉચ્ચારી ચીમકી

૪૦ મિનિટના વર્ગમાં માત્ર ૧૫ થી ૨૦ મિનિટ જ ભણાવે છે અને બાકીનો સમય આમતેમ ફરે છે. આટલું જ નહીં, તે માત્ર ચાર દિવસમાં ૧૦ દિવસનો અભ્યાસક્રમ પૂરો કરવાની કરે છે કોશિશ!

બાલાઘાટ, મધ્યપ્રદેશ : સામાન્ય રીતે શિક્ષકો વિદ્યાર્થીઓ પર ભટકવાનો કે ગેરશિસ્તનો આરોપ લગાવતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓએ જ તેમના શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યા છે. બાલાઘાટ જિલ્લાના લાલબરા વિસ્તારમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ખમરીયાના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે કે, તેમની શિક્ષિકા તેમને ત્રાસ આપી રહી છે.

૧૦ મુદ્દાઓની ફરિયાદ:
વિદ્યાર્થીઓએ ૧૦ મુદ્દા પર આધારિત ફરિયાદ પત્રમાં જણાવ્યું કે, તેમની શિક્ષિકા ૪૦ મિનિટના વર્ગમાં માત્ર ૧૫ થી ૨૦ મિનિટ જ ભણાવે છે અને બાકીનો સમય આમતેમ ફરે છે. આટલું જ નહીં, તે માત્ર ચાર દિવસમાં ૧૦ દિવસનો અભ્યાસક્રમ પૂરો કરવાની કોશિશ કરે છે.

નાક રગડાવવાની સજા:
વિદ્યાર્થીઓએ સૌથી ગંભીર આરોપ એ લગાવ્યો કે, આ શિક્ષિકા નાની-નાની ભૂલો માટે પણ તેમને સજા કરે છે અને વર્ગમાં બ્લેકબોર્ડ પર નાક રગડાવવા મજબૂર કરે છે. જોકે, આચાર્યની સમજાવટ પછી તેમણે મારવાનું બંધ કરી દીધું છે.

આત્મહત્યાની ધમકી અને તોડફોડ:
સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે, આ શિક્ષિકા શાળામાં રોજ ખુરશીઓ, નળ અને વોટર કુલરના વાયર તોડે છે. જો કોઈ તેમને આ બાબતે રોકે તો તે આત્મહત્યાની ધમકી આપે છે. આ ડરથી કોઈ તેમને કંઈ કહી શકતું નથી.

વાલીઓએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી:
શિક્ષિકાની મનમાનીને કારણે વિદ્યાર્થીઓને ભણવા માટે ટ્યુશનનો સહારો લેવો પડે છે, જેનાથી વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, છેલ્લા ૧૫ વર્ષથી શાળામાં ફરજ બજાવતા આ શિક્ષિકાની બદલી કરવામાં આવે. જો તેમની બદલી નહીં થાય તો તેઓ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

આ અસામાન્ય ફરિયાદથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ છે કે કલેક્ટર આ મામલે કેવા પગલાં ભરે છે.

 

(5:19 PM IST)