<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ફાઇનલમાં ફરી થશે ભારત-પાક ટક્કર! નીરજ ચોપરાનો પ્રથમ થ્રોથી જ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ: ૮૪.૫ મીટર ભાલો ફેંકીને ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક હાંસલ કરી લીધો

જો નદીમ પણ ફાઇનલ માટે ક્વોલિફાય થશે, તો દર્શકોને ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.: બની શકે છે ટાઇટલ બચાવનાર ત્રીજો ખેલાડી

ટોક્યો : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મુકાબલાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં પોતાના પ્રથમ પ્રયાસમાં જ શાનદાર થ્રો કરીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ ટૂંક સમયમાં મેદાનમાં ઉતરશે.

નીરજની શાનદાર શરૂઆત
નીરજ ચોપરાએ પહેલા જ થ્રોમાં ૮૪.૫ મીટર ભાલો ફેંકીને ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક હાંસલ કરી લીધો છે. આ જ મેદાન પર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજનું આ પ્રદર્શન દર્શાવે છે કે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પોતાનું ટાઇટલ બચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ભારત-પાક વચ્ચે ખરાખરીનો જંગ
આ સ્પર્ધાને માત્ર રમતગમતની ઘટના તરીકે જ નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રતિષ્ઠાના જંગ તરીકે પણ જોવામાં આવી રહી છે. હાલના રાજકીય તણાવ અને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાઓ તેમજ ક્રિકેટ મેચ દરમિયાન થયેલા વિવાદોને કારણે આ મુકાબલો વધુ રોમાંચક બન્યો છે. જો અરશદ નદીમ પણ ફાઇનલ માટે ક્વોલિફાય થશે, તો દર્શકોને ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

અન્ય ખેલાડીઓનું પ્રદર્શન:

• ભારતના અન્ય ભાલા ફેંકનાર સચિન યાદવનો શ્રેષ્ઠ પ્રયાસ ૮૩.૬૭ મીટરનો રહ્યો છે.

• જર્મનીના જુલિયન વેબર પણ ૮૭.૨૧ મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે.

નીરજ ચોપરા જો અહીં પોતાનું ટાઇટલ બચાવવામાં સફળ થાય છે, તો તે ઇતિહાસમાં વર્લ્ડ ટાઇટલ બચાવનાર ત્રીજો ખેલાડી બની જશે.

 

(5:20 PM IST)