<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ઘરે દીકરીનો જન્‍મ થયોઃ ૧૭ વર્ષ પછી ખબર પડી કે આ તો છોકરો છે

જન્‍મથી છોકરી તરીકે ઉછરેલી આ છોકરીના મેડિકલ તપાસમાં આનુવંશિક રીતે પુરુષ હોવાનું સામે આવ્‍યું

પ્રયાગરાજ,તા.૧૮: સ્‍વરૂપ રાની નેહરુ હોસ્‍પિટલના ડોક્‍ટર્સને મિર્ઝાપુરની એક ૧૭ વર્ષીય છોકરી મળી છે, જે એક દુર્લભ મેડિકલ જટિલતાથી પીડિત છે. જન્‍મથી છોકરી તરીકે ઉછરેલી આ છોકરીના મેડિકલ તપાસમાં આનુવંશિક રીતે પુરુષ હોવાનું સામે આવ્‍યું છે. લગભગ બે મહિના પહેલા માસિક ધર્મ ન આવતા કિશોરી એસઆરએન હોસ્‍પિટલના ષી રોગ નિષ્‍ણાંત પાસે ગઈ હતી, જ્‍યાં આ વાતનો ખુલાસો થયો હતો. ડોક્‍ટર ખુદ આ કેસ દુર્લભ ગણાવી રહ્યા છે.

હવે સવાલ એ છે કે નાનપણથી છોકરી તરીકે ઉછરી, શારીરિક ઢાંચો પણ મહિલાઓ જેવો હોવા છતાં આ છોકરી છોકરો કેવી રીતે હોઈ શકે? આખરે શું છે આખો મામલો, જેણે ડોક્‍ટર્સના પણ મગજ ચકરાવે ચડાવી દીધા છે.

 હકીકતમાં જોઈએ તો, આ વાત લગભગ બે મહિના પહેલાની છે, જ્‍યાં માસિક ધર્મ ન આવવાની સમસ્‍યા લઈને એક કિશોરી હોસ્‍પિટલના સ્‍ત્રી રોગ વિભાગમાં ગઈ હતી. અલ્‍ટ્રાસાઉન્‍ડ અને અન્‍ય તપાસ કરતા તેનો રિપોર્ટ ચોંકાવનારો આવ્‍યો હતો. તપાસ રિપોર્ટથી જાણવા મળ્‍યું કે, તેના પેટમાં અંડકોષ હતા, પણ ગર્ભાશય નહોતા. બાહ્ય રૂપથી મહિલા જેવી દેખાવા છતાં તેના શરીરની અંદર અંગ પુરુષ પ્રજનન અંગો જેવા હતા.

ડોક્‍ટર્સે પુષ્ટિ કરી કે કિશોરી એંડ્રોજન ઇનસેન્‍સિટિવિટી સિન્‍ડ્રોમથી પીડિત છે. આ સ્‍થિતિ ત્‍યારે થાય છે, જ્‍યારે શરીર આનુવંશિક રીતે પુરુષ હોવા છતાં પુરુષ હોર્મોનના પ્રભાવનો સ્‍વીકાર નથી કરતું અને વ્‍યક્‍તિ શારીરિક રીતે મહિલા જેવું વિકસિત થાય છે.

યુરોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. શિરીષ મિશ્રા જણાવે છે કે આ એક દુર્લભ ઇન્‍ટરસેક્‍સ સ્‍થિતિ છે. શરીર મહિલાની માફક વિકસિત થયું છે, પણ આનુવંશિક લક્ષણ પુરુષના છે. આવા દર્દી યોગ્‍ય ઉપચાર અને પરામર્શથી સામાન્‍ય જીવન જીવી શકે છે. ભવિષ્‍યમાં કેન્‍સર જેવી જટિલતાઓથી બચવા માટે કિશોરીને લેપ્રોસ્‍કોપિક સર્જરી કરી અવિકસિત પુરુષ અંગ હટાવી દીધા છે. હવે તે સીનિયર ડોક્‍ટર ડો. અનભા શ્રીવાસ્‍તવની દેખરેખમાં છે અને તેની મહિલા શારીરિક વિશેષતાઓ બનાવી રાખવા માટે આજીવન હોર્મોનલ થેરેપી શરુ કરી દીધી છે.

કિશોરીએ મનોચિકિત્‍સા વિભાગમાં પરામર્શ દરમિયાન સ્‍પષ્ટ કહ્યું કે તે ખુદને છોકરી તરીકે ઓળખે છે અને જીવન પણ તેવી જ રીતે જીવવા માગે છે. પરિવારે પણ તેના આ નિર્ણયને સમર્થન આપ્‍યું છે. ડોક્‍ટરનું કહેવું છે કે આ સહયોગ તેના આત્‍મવિશ્વાસ અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ મહત્ત્વનું છે.(૪૦.૬)

(10:26 AM IST)