હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IIM અમદાવાદ, બેંગ્લોર, કલકત્તા વિશ્વની ટોચની ૧૦૦ બિઝનેસ સ્કૂલમાં સામેલ
QS ગ્લોબલ MBA રેન્કિંગ ૨૦૨૬માં અમેરિકાની બિઝનેસ સ્કૂલ્સનો દબદબો યથાવત

નવી દિલ્હી,તા.૧૮: અમદાવાદ આઈઆઈએમ સહિત ભારતની ત્રણ આઈઆઈએમ્સનો વિશ્વની ટોચની ૧૦૦ બિઝનેસ સ્કૂલ્સમાં સમાવેશ કરાયો છે. QS ગ્લોબલ MBA, ઓનલાઇન MBA અને બિઝનેસ માસ્ટર રેન્કિંગ્સ ૨૦૨૬ની યાદીમાં સ્થાન પામનાર અન્ય બે IIM (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ)માં બેંગલુરુ અને કલકત્તાનો સમાવેશ થાય છે. ગત વર્ષની તુલનાએ વર્તમાન યાદીમાં, આઈઆઈએમ બેંગ્લોર એક ક્રમના સુધારા સાથે ૫૨માં ક્રમે, આઈઆઈએમ અમદાવાદ બે ક્રમના સુધારા સાથે ૫૮માં ક્રમે તથા આઈઆઈએમ કલકત્તા એક સ્થાનના સુધારા સાથે ૬૪માં ક્રમે યાદીમાં સ્થાન પામ્યાં છે. રોજગારીની શક્યતા, રોકાણ પરના વળતર તથા નેતૃત્વ જેવા સૂચકાંકોમાં મજબૂત કામગીરીને પગલે ત્રણેય આઈઆઈએમ્સના ક્રમમાં સુધારો થયો હોવાનું ક્યુએસ ગ્લોબલે જણાવ્યું હતું.
આ રેન્કિંગમાં અમેરિકાની બિઝનેસ સ્કૂલ્સનો દબદબો યથાવત્ રહ્યો છે. યાદીમાં ટોચના ચાર સ્થાન પર અમેરિકાની બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. ૨૦૨૦ની સાલ પછી, ધ વ્હાર્ટન સ્કૂલને પ્રથમ વખત વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા તરીકે યાદીમાં ટોચનું સ્થાન અપાયું છે. આ ઉપરાંત રોજગારીના મામલે પણ તેને વિશ્વમાં ટોચનું સ્થાન અપાયું છે. ગયા વર્ષે આ યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કરનારી સ્ટેનફોર્ડ જીએસબીએ આ વખતે ચોથો ક્રમ હાંસલ કર્યો છે. રોજગારી અને વૈવિધ્યતા જેવા સૂચકાંકોમાં નબળી કામગીરીને પગલે તેણે ટોચનું સ્થાન ગુમાવ્યું છે.
આ યાદીમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ બીજા ક્રમે છે, જ્યારે MIT (સ્લોન) એક સ્થાન ઉપર ચઢીને ત્રીજા ક્રમે આવ્યું છે.
આ વર્ષે પહેલીવાર રેન્કિંગમાં પ્રવેશનાર વોક્સન સ્કૂલ ઓફ બિઝનેસ, વિવિધતા માટે એશિયામાં ટોચનું સ્થાન ધરાવે છે અને વૈશ્વિક સ્તરે સંયુક્ત રીતે ૨૬મા ક્રમે આવ્યું છે.
QSના અધ્યક્ષ નુન્ઝિયો ક્વોક્વેરેલીએ જણાવ્યું હતું કે, ભારતની બિઝનેસ સ્કૂલ્સ નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. તાજેતરના ક્યુએસ રેન્કિંગ્સમાં ભારતીય યુનિવર્સિટીઓમાં જોવાયેલાં સુધારાઓને આવરી લેવાયાં છે. ક્યુએસ ગ્લોબલ MBA રેન્કિંગ્સ ૨૦૨૬માં, ભારતની ચારેય સંસ્થાઓના રેન્કિંગમાં સુધારો થયો છે, આ એક પ્રશંસનીય બાબત છે, જે અન્ય કોઈ દેશની સંસ્થાઓમાં નથી જોવા મળી તેમ તેમણે ઉમેર્યું હતું. માસ્ટર ઇન મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ માટે વિશ્વના ટોચના ૫૦ સંસ્થાનોમાંથી છ ભારતમાં છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને દર્શાવે છે. આ ઉપરાંત ત્રણ ભારતીય સંસ્થાઓ QS ઑનલાઇન MBA રેન્કિંગ્સમાં પહેલીવાર સામેલ થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
