<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ:ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી

પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા

નવી દિલ્હી : દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડના દેહરાદૂન અને મહારાષ્ટ્રના જલગાંવમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. દિલ્હી, યુપી, બિહારથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરથી દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

ઉત્તરાખંડમાં આજે ફરી એકવાર વરસાદ કહેર વરસાવ્યો છે. ચમોલી જિલ્લામાં વરસાદે ફરી તારાજી સર્જી છે. બુધવારે રાત્રે નંદનગરમાં ફલી કુંત્રી, સાંતી કુંત્રી, ભેંસવાડા અને ધુર્માની ઉપરની ટેકરીઓ પર વાદળ ફાટવાથી વિસ્તારમાં તબાહી મચી ગઈ હતી. ભારે વરસાદને કારણે કાટમાળ પડવાથી છ ઇમારતો સંપૂર્ણપણે નુકસાન પામી છે. સાત લોકો ગુમ થયા છે, હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, ચમોલી, ચંપાવત અને નૈનીતાલ માટે એલર્ટ જારી કર્યું છે.

હવામાન વિભાગે દિલ્હી-NCRમાં 18 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે, જેની અસર ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ દિલ્હીમાં વધુ જોવા મળી શકે છે. આગામી 3 દિવસ સુધી વરસાદનો આ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે. એવી પણ સંભાવના છે કે દશેરાના તહેવારમાં વરસાદ વિઘ્ન બની શકે છે.

ઉત્તર પ્રદેશમાં 18 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિહારમાં પણ ગુરુવારે, 18 સપ્ટેમ્બરે, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બક્સર, રોહતાસ, ઔરંગાબાદ, કૈમુર, ભોજપુર, મધુબની અને દરભંગામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

(1:31 PM IST)