<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ અચાનક રદ : પીએમ મોદી 20મીએ ભાવનગરમાં સભા ગજવશે : 22મીએ અમિતભાઈ શાહ રાજકોટમાં

મહાનગર પાલિકાઓની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં વધતા પ્રવાસ :આપ અને કોંગ્રેસનું ખાસ ફોક્સ

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય છે, પરંતુ ડિસેમ્બરના અંતમાં રાજકોટ અમદાવાદ સુરત વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે અત્યારથી જ દિગ્ગજ નેતાઓએ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા બે મહિનામાં સૌરાષ્ટ્રના પ્રવાસે અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે.

ગુજરાતના રાજકારણમાં પોલિટિકલ લેબોરેટરી હંમેશા સૌરાષ્ટ્ર રહી છે. શહેરી વિસ્તારોના મત ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે, પરંતુ આજે પણ ગ્રામીણ સીટ ઉપર કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓને આશા દેખાતી હોય છે.

2017ની ચૂંટણીમાં પણ હાર્દિક પટેલનું ફેક્ટર કોંગ્રેસને ફળદાયી નીવડ્યું હતું. જેના પરિણામે વિજયભાઈ  રૂપાણીની સરકાર માંડ માંડ બહુમતી મેળવી શકી હતી. હવે જ્યારે મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓ તેમજ વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પાર્ટીઓનું ગુજરાતની ઉપર ફોકસ છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો સૌરાષ્ટ્ર પર ફોકસ કરી જ રહી છે, પરંતુ હવે ભાજપ પણ મેદાને આવ્યું છે. જે અંતર્ગત પહેલા નોરતે ખુદ ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં સહકાર સંમેલન ગજવવા માટે આવી રહ્યા છે.

 

આમ જોઈએ તો વિસાવદરની સીટ ઉપર આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત બાદ સૌરાષ્ટ્રમાં રાજકારણના સમીકરણો બદલાયા છે. ગોપાલ ઇટાલિયાની લડાયક લીડરશીપને કારણે આમ આદમી પાર્ટીને પણ નવું ઓક્સિજન મળ્યું છે. હવે કોઈપણ સીટ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિસાવદર વાળી અહીં પણ થશે તેવું કહેતા થઈ ગયા છે.

હવે ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત અરવિંદ કેજરીવાલની એન્ટ્રી પણ થઈ છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ ભાજપની સામે લડવા માટે એડીચોટીનું જોર કર્યું હતું.

 

આ વખતે પણ અરવિંદ કેજરીવાલે અમેરિકાથી આયાત થતા કપાસ પર 11% ઈમ્પોર્ટ ડ્યુટી રદ કરવાની નરેન્દ્ર મોદી સરકારની જાહેરાતને લઈને ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલે ચોટીલા પંથકમાં ખેડૂત મહાપંચાયત પણ બોલાવી હતી, પરંતુ ભારે વરસાદને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
કેજરીવાલની પાર્ટી તો મેદાનમાં આવી છે, તો બીજી તરફ હવે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રમાં દેરા તંબુ તાણ્યા છે.

 

જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે હાલ કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તો આવ્યા, પરંતુ રાહુલ ગાંધીએ પણ મુલાકાત કરીને કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયત્ન કર્યો છે.

આજે 18 સપ્ટેમ્બરના રોજ પણ રાહુલ ગાંધી જૂનાગઢ આવવાના હતા. જો કે પોતાના પહેલાથી નિર્ધારિત અન્ય કાર્યક્રમોના કારણે રાહુલ ગાંધીનો આજનો ગુજરાત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવ્યો છે. હવે રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢ આવી શકે છે, ત્યારે કોંગ્રેસના તમામ પ્રમુખોનું એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્ડના હિસાબો પણ રાહુલ ગાંધી સમક્ષ મૂકવામાં આવશે.

 

કોંગ્રેસને આશા છે કે ગીર પંથકની વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસ હજુ પણ મેદાન મારી શકે તેમ છે. જૂનાગઢમાં ચાલી રહેલી શિબિરમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ બધેલ પણ આવ્યા હતા.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યારે સક્રિય બની છે, ત્યારે ભાજપ પણ કેમ પાછળ રહે. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી આવી રહ્યા છે અને અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. બીજી બાજુ ભાવનગર ખાતે પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો રોડ શો તેમજ જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભૂજમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભવ્ય રોડ શો અને સભા કર્યા બાદ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સભા પૂરી થયાના બે દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં તેઓ સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

ભારત સરકાર દ્વારા સહકારીતાનું નવું મંત્રાલય શરૂ કરવામાં આવ્યા બાદ અમિત શાહ સહકારી ક્ષેત્રના અનેક સંમેલનો કરી ચૂક્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં સૌથી મોટું સહકાર સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે. જેમાં એક લાખની મેદની ભેગી થવાનો પ્રાથમિક અંદાજ મૂકવામાં આવ્યો છે.

સ્વાભાવિક છે કે, ગુજરાતના રાજકારણમાં અત્યારથી જ દરેક પાર્ટીના નેતાઓ પોતપોતાની પાર્ટીની પોલીસી મુજબ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. સમય આવ્યા મતદારો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

(6:54 PM IST)