<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી વધવાની ધારણા : જાણો જીએસટી અને પાન- આધારકાર્ડ સબંધી નિયમો

સોનાની ખરીદીને પારદર્શક બનાવવા માટે GST કાઉન્સિલની બેઠક બાદ કડક નિયમો લાગુ

નવી દિલ્હી :સોનાની કિંમતો દિવસે દિવસે વધી રહી છે. ત્યારે હાલ તહેવારની સિઝન ચાલી રહી છે. જે બાદ લગ્નગાળાની સિઝન શરૂ થશે. જેના માટે સોનું સૌથી જરૂરિયાતની વસ્તુમાંથી એક છે. પણ આજના સમયમાં સોનાની કિંમતો સાથે સોનું ખરીદવાના નિયમોની પણ જાણ હોવી જરૂરી છે.

 

સરકારે સોનાની ખરીદીને પારદર્શક બનાવવા માટે GST કાઉન્સિલની બેઠક બાદ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે આગામી 22 સપ્ટેમ્બરના રોજ લાગુ થશે. જેમાં 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદી માટે PAN કે આધાર કાર્ડ ફરજિયાત છે. આ ઉપરાંત, 2 લાખથી વધુની રોકડ ચૂકવણી પર પ્રતિબંધ છે, એટલે ડિજિટલ પેમેન્ટ કે બેંક દ્વારા ચૂકવણી કરવી પડશે. હાલ સોના પર 3 ટકા GST અને જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 5% GST લાગે છે, જેનાથી બિલમાં નોંધપાત્ર ફરક પડે છે. નિયમોનું પાલન કરવાથી તમારી ખરીદી કાયદેસર અને સુરક્ષિત રહે છે.

સોનું ખરીદતી વખતે હંમેશાં BIS હોલમાર્કવાળું સોનું ખરીદો, કારણ કે તે શુદ્ધતાની ગેરંટી આપે છે અને રીસેલ વેલ્યુ વધારે છે. સાથે જ, GST ઇન્વૉઇસ માગવાનું ન ભૂલશો, જેનાથી તમારી ખરીદીનો સત્તાવાર રેકોર્ડ બનશે. ઘણા લોકો આ બાબતોને નજરઅંદાજ કરે છે, પરંતુ આ નાની બાબતો ભવિષ્યમાં મોટી મુશ્કેલી બચાવે છે. ખાસ કરીને, જો તમે ઓનલાઈન સોનું ખરીદો છો, તો વિશ્વસનીય પ્લેટફોર્મ અને હોલમાર્કની ચકાસણી કરો.

નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવ આગામી મહિનાઓમાં વધી શકે છે, કારણ કે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને મોંઘવારીનું દબાણ છે. તેમ છતાં, દિવાળી અને લગ્ન સીઝનમાં જ્વેલર્સ ઘણીવાર મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ આપે છે, જેનો ફાયદો લઈ શકાય. આ સમયે સોનું ખરીદવું એ માત્ર આર્થિક રોકાણ નથી, પણ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. સમજદાર ખરીદદારો આ તકનો લાભ લઈને બચત કરે છે.

(7:14 PM IST)