News of Thursday, 18th September 2025
ભાવનગરના પ્રકાશ ભટ્ટને ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 સિરીઝના મૅચ-રેફરી તરીકે નિયુક્ત કરાયા
સિરીઝ આગામી ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ન્યૂ ઝીલૅન્ડના માઉન્ટ મૉન્ગોનોઈમાં રમાશે: તેઓ અગાઉ મેન્સની 17 ઉપરાંત વિમેન્સની ત્રણ ઇન્ટરનૅશનલ મૅચોમાં મૅચ-રેફરી તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે

ભાવનગરઃ આઇસીસીએ ભાવનગરના પ્રકાશ ભટ્ટને ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 સિરીઝના મૅચ-રેફરી તરીકે નિયુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એ સિરીઝ આગામી ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ન્યૂ ઝીલૅન્ડના માઉન્ટ મૉન્ગોનોઈમાં રમાશે. તેઓ અગાઉ મેન્સની 17 ઉપરાંત વિમેન્સની ત્રણ ઇન્ટરનૅશનલ મૅચોમાં મૅચ-રેફરી તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ બીસીસીઆઇ અને આઇપીએલના સિનિયર મૅચ-રેફરી છે.
પ્રકાશ ભટ્ટ પંચાવન વર્ષના છે. તેઓ 1995થી 2005 દરમ્યાન સૌરાષ્ટ્ર વતી 51 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા જેમાં તેમણે સાત સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરીની મદદથી 40.00 જેટલી બૅટિંગ સરેરાશે કુલ 3,183 રન કર્યા હતા.
પ્રકાશ ભટ્ટ આઇપીએલની 50થી પણ વધુ મૅચમાં રેફરી રહી ચૂક્યા છે. ક્રિકેટ જગતમાં અમ્પાયરમાંથી મૅચ રેફરી તરીકેની બઢતી મેળવી ચૂકેલા નામાંકિતોમાં પ્રકાશ ભટ્ટનું નામ અચૂક લેવાય છે.
બીસીસીઆઇએ સૌથી પહેલાં 2008ની સાલમાં પ્રકાશ ભટ્ટની મૅચ-રેફરી તરીકે નિમણૂક કરી હતી. તેઓ ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની જે ટી-20 સિરીઝના મૅચ-રેફરી તરીકે નિયુક્ત થયા છે એ 1-4 ઑક્ટોબર દરમ્યાન રમાશે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
