હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધીના ' વોટ ચોરી 'ના નવા આરોપ બાદ વિપક્ષ દ્વારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી
કોંગ્રેસે કહ્યું -‘હવે જ્યારે ફડણવીસના પોતાના ગૃહ વિભાગની પોલીસે ગોટાળાની પુષ્ટિ કરી છે, ત્યારે મહાયુતિ સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.’

મુંબઈ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નવા આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીઓમાં વ્યાપક અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મત ચોરી’ દ્વારા લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના એક વિધાનસભા મતવિસ્તાર સહિત દેશના ઘણા ભાગોમાં ‘મત ચોરી’નો આરોપ લગાવ્યો હતો, જેના કારણે વિપક્ષ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરવા પ્રેરાયું છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા વિધાનસભા મતવિસ્તારનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ત્યાં મતોમાં હેરાફેરી કરવા માટે સ્વચાલિત સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ વિશે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ‘લોકશાહીનો નાશ કરનારાઓનું રક્ષણ કરવાનો’ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના સમર્થકોના નામ મતદાર યાદીમાંથી વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ અને એનસીપી (એસપી)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો દાવો કર્યો હતો કે રાજુરા વિધાનસભા મતવિસ્તારમાં 6,850 મતોમાં ગોટાળા થયા હતા, અને રાજ્ય પોલીસે પોતે જ આ મામલે એફઆઈઆર દાખલ કરી છે.
તેમણે કહ્યું હતું કે, ‘હવે જ્યારે ફડણવીસના પોતાના ગૃહ વિભાગની પોલીસે ગોટાળાની પુષ્ટિ કરી છે, ત્યારે મહાયુતિ સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.’
તેમણે એવી માગણી કરી હતી કે, ‘રાહુલ ગાંધીએ ફરી એકવાર બતાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકશાહીનો નાશ કેવી રીતે થઈ રહ્યો છે. ફડણવીસે તાત્કાલિક આંખો ખોલીને રાજીનામું આપવું જોઈએ.’
એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ એવો આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીમાંથી નામો દૂર કરવાની પ્રક્રિયા શંકાસ્પદ હતી અને ચૂંટણી પંચની વિશ્ર્વસનીયતા પર પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. સ્વતંત્ર તપાસની માગણી કરતાં તેમણે પૂછ્યું હતું કે, ‘ઈસીઆઈ (ચૂંટણી પંચ)ના પોર્ટલને આટલી સરળતાથી કેવી રીતે હેક કરી શકાય છે અથવા તેમાં કોઈ આંતરિક મિલીભગત છે?’









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
