હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

શિમલા: હિમાચલ પ્રદેશના વરસાદ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે ગયેલા બોલિવૂડ અભિનેત્રી અને મંડીના ભાજપ સાંસદ કંગના રનૌતનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ગુરુવારે મનાલીના પટલીકુહલ વિસ્તારમાં તેમના કાફલા સામે 'ગો બેક કંગના, યુ આર લેટ' (પાછા ફરો કંગના, તમે મોડા પડ્યા)ના નારા લાગ્યા અને કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યા.
લોકોનો રોષ દર્શાવતા વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં, સ્થાનિક લોકો કાળા વાવટા લઈને અભિનેતા-રાજકારણીના વાહનોના કાફલા નજીક સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૫ અને ૨૬ ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે કુલ્લુ અને મનાલીમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડ આવ્યા હતા. બિયાસ નદીના પ્રવાહને કારણે એક બહુમાળી હોટેલ અને ચાર દુકાનો પણ ધોવાઈ ગઈ હતી. આ ઉપરાંત, ચંડીગઢ-મનાલી નેશનલ હાઇવે અને મનાલી-લેહ હાઇવેના ઘણા વિસ્તારો પણ નદીના વધેલા જળસ્તરને કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા. મનાલીનો રાઈટ બેંક રોડ, જે કુલ્લુ શહેર, બસ સ્ટેન્ડ અને બિંદુ ધાંકને જોડે છે, તેને પણ વ્યાપક નુકસાન થયું હતું.
આ કુદરતી આફતમાં કુલ્લુના રામશેલે વિસ્તારમાં એક ઘરને નુકસાન થયું હતું, મનાલી નજીકના ૧૪ માઈલ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અને પટલીકુહલમાં એક ફિશ ફાર્મને પણ નુકસાન થયું હતું.
પોતાની મુલાકાત દરમિયાન, કંગનાએ મનાલી ઉપવિભાગના સોલંગ અને પાલચન ગામના આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભાજપના નેતા અને મનાલીના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ સિંહ ઠાકુર અને સ્થાનિક રહેવાસીઓએ તેમને માળખાકીય અને અન્ય નુકસાન અંગે માહિતગાર કર્યા હતા. તેમણે કંગનાને જણાવ્યું કે ૧૫-૧૬ જોખમી ઘરોના પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમણે સાંસદને એમ પણ જણાવ્યું કે આખું સોલંગ ગામ નદીના કાંઠા પર આવેલું હોવાથી તે તૂટી પડવાની અણી પર છે અને નદીના પ્રવાહને વાળવાની જરૂર છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM