<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને મોટો ફટકો : ચૂંટણી પંચે રાષ્ટ્રીય ઓળખપત્ર "બ્લોક" કરી દીધું

તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

બાંગ્લાદેશના ચૂંટણી પંચે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મોટો ફટકો આપ્યો છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી પદભ્રષ્ટ વડા પ્રધાનની ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ચૂંટણી પંચે શેખ હસીનાનું રાષ્ટ્રીય ઓળખપત્ર "બ્લોક" કરી દીધું છે, જેના કારણે તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

ચૂંટણી પંચના સચિવ અખ્તર અહેમદે અહીં નિર્વાચન ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "જેનું રાષ્ટ્રીય ઓળખપત્ર (NID) લોક થઈ ગયું છે તે કોઈપણ વિદેશથી મતદાન કરી શકશે નહીં." તેમણે ઉમેર્યું હતું કે, "તેમનું (હસીનાનું) NID બ્લોક થઈ ગયું છે." જોકે અહેમદે બીજા કોઈનું નામ લીધું નથી, UNB ન્યૂઝ એજન્સી અને ઢાકા ટ્રિબ્યુન અખબારે ચૂંટણી પંચના અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે હસીનાની નાની બહેન શેખ રેહાના, પુત્ર સજીબ વાઝેદ જોય અને પુત્રી સાયમા વાઝેદ પુતુલના NID પણ "લોક" અથવા "બ્લોક" કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે શેખ હસીના આ પછી ચૂંટણી લડી શકશે કે નહીં.

 

એવા અહેવાલો છે કે રેહાનાની પુત્રીઓ, ટ્યૂલિપ રિઝવાના સિદ્દીક અને આઝમીના સિદ્દીક, ભત્રીજા રદવાન મુજીબુર સિદ્દીક બોબી, તેમના સંબંધી અને હસીનાના ભૂતપૂર્વ સુરક્ષા સલાહકાર, નિવૃત્ત મેજર જનરલ તારિક અહેમદ સિદ્દીક, તેમની પત્ની શાહીન સિદ્દીક અને પુત્રી બુશરા સિદ્દીકને પણ મતદાન કરવાથી રોકવામાં આવ્યા છે. અહેમદે કહ્યું કે જે લોકો "કાયદાથી બચવા" અથવા અન્ય કારણોસર વિદેશ ગયા છે તેઓ જ્યાં સુધી તેમના NID કાર્ડ સક્રિય રહે ત્યાં સુધી મતદાન કરી શકે છે.

નોંધનીય છે કે વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના હિંસક વિરોધ પ્રદર્શન બાદ 5 ઓગસ્ટ, 2024 ના રોજ હસીનાની અવામી લીગ સરકારને સત્તા પરથી દૂર કરવામાં આવી હતી, જેના કારણે હસીનાને દેશ છોડીને ભારત જવાની ફરજ પડી હતી. ત્યારબાદ, નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને અવામી લીગની પ્રવૃત્તિઓને સ્થગિત કરી દીધી. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં હાલમાં હસીના પર તેમની ગેરહાજરીમાં કેસ ચાલી રહ્યો છે, જ્યાં સરકારી વકીલોએ જુલાઈ 2024ના બળવા દરમિયાન થયેલા કથિત અત્યાચારો માટે મૃત્યુદંડની વિનંતી કરી છે.

 

શેખ હસીનાની હકાલપટ્ટી પછી મોટાભાગના વરિષ્ઠ આવામી લીગના નેતાઓ કાં તો છુપાઈ રહ્યા છે અથવા દેશનિકાલમાં જીવી રહ્યા છે, કારણ કે ટોળાએ તેમની મિલકતોને બાળી નાખી છે અથવા તોડફોડ કરી છે, જેમાં બાંગ્લાદેશના સ્થાપક પિતા અને હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનના ઢાકામાં 32 ધનમોન્ડી નિવાસસ્થાનનો સમાવેશ થાય છે.

(12:37 AM IST)