<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ભૂરાજકિય ચિંતા અને નવા વેપાર સંઘર્ષની સ્થિતિને પગલે સોનાના ભાવમાં તેજી :800 રૂપિયાનો ઉછાળો

ચાંદીના ભાવમાં પણ તેજી આગળ વધી અને કિલોદીઠ ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 1,32,000 થયો

નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી ભૂરાજકિય ચિંતા તથા નવેસરથી વ્યાપાર સંઘર્ષની સ્થિતિને પગલે વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેતોને લીધે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,14,000 થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 700 વધી રૂપિયા 1,13,500 રહ્યો હતો.

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડમાં એકંડરે પોઝીટીવ વલણ જોવા મળ્યું છે અને સેન્ટીમેન્ટ તેજીમય છે. દરમિયાન US ફેડરલ રિઝર્વ (Fed) દ્વારા વ્યાજદરમાં વધુ ઘટાડો વર્ષ 2025ના અંત ભાગમાં કરવામાં આવી શકે છે અને ભૂરાજકીય તથા ટ્રેડ-સંબંધિત ઈશ્યુને જોતા સોનામાં એકંદરે તેજીમય વલણ જોવા મળી શકે છે, તેમ HDFC સિક્યુરિટીઝ ખાતેના કોમોડિટીઝ બાબતના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ તેજી આગળ વધી હતી અને કિલોદીઠ ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 1,32,000 થયો છે.

દરમિયાન વૈશ્વિક હબજારમાં સોનાનો હાજર ભાવ 0.18 ટકા વધી ઔંસદીઠ 3,651.18 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ 1 ટકા વધી 42.16 ડોલર રહ્યો છે. LKP સિક્યુરિટીઝના કોમોડિટી અને કરન્સી બાબતના વાઈસ પ્રેસિડેન્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમેરિકાના અર્થતંત્રના ડેટા આગામી સપ્તાહમાં આવશે. જેના પર બજાર વર્ગની નજર રહેશે.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી હતી.અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 1,29,500 થયો છે. જ્યારે શુદ્ધ સોનું રૂપિયા 500 ઘટી રૂપિયા 113500, સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 500 ઘટી રૂપિયા 113200 રહ્યા હતા.

(10:47 PM IST)