વેવાઈ-વેવાણ એક બીજા પર મોહી ગયાઃ મોકો જોઈને ઘરેથી ઉપડી ગયા
દીકરા-દીકરીના લગ્ન પહેલા બંને એકબીજાને દિલ દઈ બેઠાઃ એટલું જ નહીં પણ થનારી વેવાણને લઈને વેવાઈ ભાગી ગયા

બેતિયા,તા.૨૦: બિહારના બેતિયામાંથી ચોંકાવનારી લવ સ્ટોરી સામે આવી છે. અહીં એક મહિલાના દીકરા માટે સંબંધની વાત આવી. અજાણ્યા શખ્સે કહ્યું કે તે પોતાની દીકરીના લગ્ન કરવા માગે છે. ત્યાર બાદ બંનેના નંબર એક્સચેન્જ થયા. વાતચીત આગળ વધી તો બાળકોના લગ્ન પહેલા બંને એકબીજાને દિલ દઈ બેઠા. એટલું જ નહીં પણ થનારી વેવાણને લઈને વેવાઈ ભાગી ગયા. મહિલાના દીકરાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. સાથે જ કહ્યું કે મહિલાની માનસિક સ્થિતિ ઠીક નથી. આરોપી આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે.
બન્યું એવું કે બજારમાં ગયેલી મહિલા જ્યારે ઘરે પરત ન ફરી તો પરિવારના લોકો ચોંકી ગયા. પછી ખબર પડી કે આ મહિલા તો ઉત્તર પ્રદેશના એક શખ્સના પ્રેમમાં પડી હતી. આ ઘટનાની શરૂઆત થોડા વર્ષ પહેલા થઈ હતી. એક લગ્ન પ્રસંગમાં આ મહિલાની મુલાકાત દેવરિયા જિલ્લાના બિંદવલિયાના રાજન મિશ્ર સાથે થઈ. રાજને વચન આપ્યું કે તમારા દીકરાના મારી દીકરી સાથે લગ્ન કરાવીશ. ફોન નંબર લઈને ક્યારેક ક્યારેક વાત કરવા લાગ્યા. વિશ્વાસ અપાવ્યો. પછી અચાનક એ દિવસ આવી ગયો, જ્યારે બંને મોકો જોઈને ભાગી ગયા.
પરિવારના નિવેદન અનુસાર, ૧૧ સપ્ટેમ્બરની બપોરે મહિલા પોતાના નાના દીકરા સાથે નૌતન બજાર પાન કાર્ડ બનાવવા માટે ગઈ હતી. ત્યાંથી અચાનક તે ગાયબ થઈ ગઈ. પહેલા તો પરિવારના લોકો શોધવામાં લાગ્યા. તપાસ કરી, માઈકમાં અનાઉન્સમેન્ટ કરાવ્યું. કંઈ જાણવા મળ્યું નહીં. સાંજ થતાં થતાં કોલ આવ્યો. સામેથી અવાજ આવ્યો રાજનનો. તેણે કહ્યું કે, તમારી માને મેં લગ્નના નામ પર ગોરખપુર લઈ આવ્યો છું. હવે તે અહીં જ રહેશે. તેણે એવું પણ કહ્યું કે, તેઓ બંને એકબીજાને પ્રેમ કરે છે અને જો તેમને શોધવાની કોશિશ કરી તો તે તેની હત્યા કરી નાખશે.
આ ઘટનાની જાણ થતાં જ પરિવારના લોકો આઘાતમાં સરી ગયા. ટેન્શન એ પણ હતું કે માની માનસિક સ્થિતિ સારી નથી. દીકરાઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈ અપહરણની ફરિયાદ નોંધાવી. બેતિયાના એસડીપીઓ રજનીશકાંત પ્રિયદર્શીએ જણાવ્યું કે ફરિયાદના આધાર પર દેવરિયાના રહેવાસી રાજન મિશ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
