<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ટ્રમ્પ દ્વારા H-1B વિઝા ફીમાં વધારો: કોંગ્રેસે PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું - 'ભારતને સૌથી વધુ નુકસાન થશે'

કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ નિર્ણયથી ભારતના સૌથી પ્રતિભાશાળી લોકોના ભવિષ્ય પર અસર પડી છે: "રાહુલ ગાંધી ફરી સાચા સાબિત થયા છે."

નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા માટે વાર્ષિક ફી $100,000 (લગભગ ₹83 લાખ) કરવાનો નિર્ણય લેવાતા ભારતીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પનો આ નિર્ણય ભારતીય આઈટી પ્રોફેશનલ્સની નોકરીઓ અને અમેરિકાથી આવતા રેમિટન્સ પર ગંભીર અસર કરશે, અને આ મુદ્દે પીએમ મોદીનું મૌન દેશના હિત માટે નુકસાનકારક છે.
 
કોંગ્રેસના આક્ષેપો
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ભારતીયો માટે નોકરીની તકો ઘટશે અને દેશમાં આવતા નાણાંમાં પણ ઘટાડો થશે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ નિર્ણયથી ભારતના સૌથી પ્રતિભાશાળી લોકોના ભવિષ્ય પર અસર પડી છે.

કોંગ્રેસના અન્ય નેતા પવન ખેરાએ રાહુલ ગાંધીની 2017ની ટિપ્પણીને ટાંકીને કહ્યું કે, "રાહુલ ગાંધી ફરી સાચા સાબિત થયા છે." તેમણે આરોપ લગાવ્યો કે 2017માં પણ રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારથી કંઈ બદલાયું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે આ વિઝા ફીમાં વધારો કરવાનો નિર્ણય H-1B કાર્યક્રમના કથિત દુરુપયોગને રોકવા અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમોને ઘટાડવા માટે લીધો છે. પરંતુ ભારતીય આઈટી ઉદ્યોગ માટે આ એક મોટો પડકાર બની રહેશે.

 

(10:27 PM IST)