<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ આજે સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે નરેન્દ્રભાઈ: જીએસટી ઘટાડાના સંદર્ભમાં મોટી જાહેરાતની અપેક્ષા: દેશભરમાં ભારે ઉત્તેજના

તહેવારો દરમિયાન વિદેશી કરતા સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવા ઉપર ભાર મૂકવામાં આવે તેવી પણ સંભાવના

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. સરકારી સ્ત્રોતો અનુસાર, આ સંબોધનમાં કોઈ નિર્દિષ્ટ વિષયની જાહેરાત થઈ નથી, પરંતુ તે ખૂબ જ મહત્વની બાબત સાથે જોડાયેલી હોવાની સંભાવના છે.

 

ઘણા વિશ્લેષકો અને મીડિયા અહેવાલો અનુસાર, આ સંબોધન કાલથી દેશભરમાં લાગુ થતા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ) દરમાં ઘટાડા સાથે સંબંધિત હોઈ શકે. જીએસટી કાઉન્સિલના તાજા નિર્ણયને અનુસરીને કાલથી (૨૨ સપ્ટેમ્બર) નવી ટેક્સ વ્યવસ્થા અમલમાં આવશે, જેમાં મુખ્યત્વે બે જ સ્લેબ્સ ૫ ટકા અને ૧૮ ટકા રાખવામાં આવ્યા છે, જ્યારે લક્ઝરી આઇટમ્સ માટે ૪૦ ટકાનો દર લાગુ થશે. આ ફેરફારથી ઘણી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે, જેમાં દૂધ, અનાજ, ઘરેળુ સાધનો, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

 

વડાપ્રધાનનું આ સંબોધન નવરાત્રિના પહેલા દિવસે થઈ રહ્યું છે, જેમાં તેઓ આ આર્થિક સુધારણા વિશે વિગતવાર માહિતી આપી શકે છે. ઉપરાંત તહેવારો દરમિયાન વિદેશી કરતા સ્વદેશી વસ્તુઓ ખરીદવા ઉપર ભાર મૂકવામાં આવે અને પરાવલંબનના બદલે સ્વાવલંબી બનવા તરફ નિશાન નિર્દેશ કરવામાં આવે તેવી સંભાવના છે.

(11:37 AM IST)