<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

અમેરિકામાં ૧૫ ટકા ભારતીય પ્રવાસીઓ ઘટ્‍યાઃ ટૂરિઝમ સેક્‍ટરને ૩૦૦૦ કરોડની નુકસાની

ભારત અને અમેરિકા વચ્‍ચે ટેરિફ-વિવાદ, રશિયા પાસેથી તેલની ખરીદી અને વીઝામાં વિલંબ જેવા પડકારોએ ભારતીય પ્રવાસીઓનો અમેરિકા જવાનો ઉત્‍સાહ ઓછો કરી દીધો છે.

 

નવી દિલ્‍હી તા.૨૨: જૂન અને જુલાઈ બાદ ઑગસ્‍ટમાં પણ અમેરિકાની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓની સંખ્‍યામાં ઘટાડો થવાને કારણે આ વર્ષે અમેરિકાના ટૂરિઝમ ઉદ્યોગને સમરના મહિનાઓમાં આશરે ૩૪૦ મિલ્‍યન ડોલર (આશરે ૩૦૦૦ કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. અમેરિકામાં નેશનલ ટ્રાવેલ ઍન્‍ડ ટૂરિઝમ ઓફિસ (NTTO)ના જણાવ્‍યા અનુસાર ઑગસ્‍ટમાં ભારતીય પ્રવાસીઓની સંખ્‍યામાં ગયા વર્ષની સરખામણીમાં ૧૫ ટકા ઘટાડો થયો હતો. આ પહેલાં જૂનમાં ૮ ટકા અને જુલાઈમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિષ્‍ણાતો માને છે કે ભારત અને અમેરિકા વચ્‍ચે ટેરિફ-વિવાદ, રશિયા પાસેથી તેલની ખરીદી અને વીઝામાં વિલંબ જેવા પડકારોએ ભારતીય પ્રવાસીઓનો અમેરિકા જવાનો ઉત્‍સાહ ઓછો કરી દીધો છે.

ભારતીય પ્રવાસીઓ અમેરિકાના ટૂરિઝમ ક્ષેત્ર માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ છે. ભારતીય પ્રવાસીઓ અમેરિકામાં સૌથી વધુ ખર્ચ કરતા પ્રવાસીઓમાં ગણાય છે. ૨૦૨૪માં અમેરિકાની મુલાકાત લેતા દરેક ભારતીય પ્રવાસીએ સરેરાશ ૫૨૦૦ ડોલર (આશરે ૪,૫૮,૦૦૦ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ સરેરાશ વૈશ્વિક પ્રવાસી કરતાં લગભગ ત્રણગણો વધારે છે. સામાન્‍ય રીતે એક વિદેશી પ્રવાસી અમેરિકામાં લગભગ ૧૮૦૨ ડોલર (આશરે ૧,૫૮,૦૦૦ રૂપિયા) ખર્ચ કરે છે. આંકડા દર્શાવે છે કે ભારતીય પ્રવાસીઓ અમેરિકા માટે એક મોટા અને વિશ્વસનીય ગ્રાહકવર્ગનું પ્રતિનિધિત્‍વ કરે છે. અમેરિકાની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્‍યામાં ભારત ચોથા ક્રમે છે. પહેલા ત્રણ દેશોમાં કેનેડા, મેક્‍સિકો અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ છે.

૨૦૨૪ પર નજર કરીએ તો ભારતથી અમેરિકા જતા પ્રવાસીઓની સંખ્‍યામાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. જૂન ૨૦૨૪માં ૩૫ ટકા, જુલાઈમાં ૨૬ ટકા અને ઓગસ્‍ટમાં ૯ ટકાનો વધારો જોવા મળ્‍યો હતો. જોકે આ વર્ષે પરિસ્‍થિતિ તદ્દન અલગ છે.

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે અમેરિકાએ આ વર્ષની શરૂઆતમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં હતાં. જાન્‍યુઆરી ૨૦૨૫માં બ્રેન્‍ડ અમેરિકાએ હૈદરાબાદમાં એનો સૌથી મોટો પ્રમોશનલ કાર્યક્રમ યોજ્‍યો હતો. આ કાર્યક્રમમાં ૪૮ અમેરિકન કંપનીઓ અને ૬૭ એક્‍ઝિબિટરો સામેલ હતા. એ સમયે હાથ ધરાયેલા એક સર્વેમાં જાણવા મળ્‍યું હતું કે ૮૬ ટકા ભારતીય પ્રવાસીઓએ જણાવ્‍યું હતું કે તેઓ આગામી બે વર્ષમાં અમેરિકાની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. જોકે ટેરિફ-વિવાદ અને બીજાં કારણોને લીધે આ લોકોએ અમેરિકા જવાનો પ્‍લાન પડતા મૂક્‍યો હતો.(૩૮.૬)

(10:09 AM IST)