હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોમાસાની રવાનગી સાથે વાપસી ? ભારતીય હવામાન વિભાગ મુજબ, આજે ૨૨ સપ્ટેમ્બર સુધીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે: ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે
બંગાળની ખાડીમાં હલચલ: બંગાળની ખાડીમાં એક નવું નિમ્ન દબાણ ક્ષેત્ર (લો-પ્રેશર સિસ્ટમ્સ) સક્રિય થયું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા : નવરાત્રિ પર સંકટ: નવી સિસ્ટમના કારણે આજથી શરૂ થયેલ નવરાત્રીના શરૂઆતના તબક્કામાં તથા સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અને ઓક્ટોબરના પ્રારંભના દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે

ગાંધીનગર: ચાર મહિના સુધી ગુજરાતને તરબોળ કર્યા બાદ નૈઋત્યના ચોમાસાએ હવે સત્તાવાર રીતે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અને ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ મુજબ, આજે ૨૨ સપ્ટેમ્બરની સ્થિતિએ ચોમાસું પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સાથે-સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી પાછું હટી ગયું છે. ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૂકું વાતાવરણ
ચોમાસાની વિદાય સાથે જ હવે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી સૂકા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે. આના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને આકાશ સ્વચ્છ થતાં તાપમાનમાં સામાન્ય વધારો અનુભવાઈ શકે છે. પહાડી વિસ્તારો જેવા કે ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના યથાવત છે, પરંતુ અન્યત્ર હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.
*ચિંતાનું કારણ: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ*
એક તરફ જ્યાં ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ્સ આગામી ૨ થી ૩ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની સંભવિત દિશા ઉત્તર-પશ્ચિમ તરફની છે, જેનો અર્થ છે કે તે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતને અસર કરી શકે છે.
આ નવી સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.
*શું નવરાત્રિના રંગમાં ભંગ પડશે?*
ચોમાસાની વિદાયની જાહેરાતથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો, પરંતુ બંગાળની ખાડીની આ નવી સિસ્ટમ્સે ફરી ચિંતા વધારી છે. જો હવામાન વિભાગની આગાહી સાચી પડે છે, તો આજે સોમવારથી શરૂ થયેલ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદી ઝાપટાં ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે.
હાલમાં, પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ સારો એવો વરસાદ પડ્યો છે.
દરમિયાન આજે સોમવારે રાત્રે ૧૧.૩૦ વાગે લેવામાં આવેલ લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠા તરફ આછા હળવા અને મધ્યમ વાદળા જોવા મળે છે જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને લાગુ વિસ્તારો મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રચંડ વાદળા છવાયેલા જોવા મળે છે..









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
