<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

GST 2.0: ફરસાણમાં કિલોએ ૨૦ બેકરી પ્રોડક્‍ટમાં ૪૦ રૂપિયાનો ઘટાડો

ટીવીમાં ૪થી ૫, એસીમાં ૩થી ૪, ડિશ વોશરમાં પથી ૬ હજારની બચત : ફ્રીજ અને વોશિંગ મશીન પર જીએસટી યથાવતને લીધે ભાવમાં ઘટાડો નહીં થાય

નવી દિલ્‍હી,તા.૨૩: જીએસટી લાગુ થયાના આઠ વર્ષ બાદ તેમાં રહેલા ચાર સ્‍લેબમાંથી બે સ્‍લેબ કરી દેવામાં આવ્‍યા છે. તેના કારણે ઘરવપરાશમાં વપરાતી રોજિંદી ચીજવસ્‍તુના ભાવમાં તો ઘટાડો થવાનો જ છે, પરંતુ સુરતીલાલાઓનું એક સપ્તાહ ફરસાણ અને બેકરી પ્રોડક્‍ટ વિના પસાર થતું નથી. તેના ભાવમાં પ્રતિ કિલોએ ૨૦થી લઇને ૪૦ સુધીનો ઘટાડો થયો છે. સાથે સાથે ટીવી, એસી અને ડિશ વોશરના ભાવમાં પણ ઘટાડો થવાના કારણે ઇલેક્‍ટ્રોનિકના વેપાર સાથે સંકળાયેલાઓને આગામી એકાદ મહિનો સારી એવી ઘરાકી નીકળવાની આશા ઊભી થઇ છે.

૨૨ સપ્‍ટેમ્‍બરથી જીએસટીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હોવાના કારણે ૨૧ સપ્‍ટેમ્‍બરને મધ્‍યરાત્રી ૧૨ વાગ્‍યા બાદ તેનો અમલ કરી દેવામાં આવ્‍યો છે. તેમાં પણ ફરસાણના ભાવમાં પ્રતિ કિલોએ ૨૦ રૂપિયા ઘટાડી દેવામાં આવ્‍યા છે. તહેવારોમાં અને તેમાં પણ ખાસ કરીને સુરતીલાલાઓ મોટી માત્રામાં ફરસાણ ઝાપટી જતા હોય છે. તેવા સમયે જ ૨૦ રૂપિયાનો ઘટાડો થતા તેઓને મહિને સારો એવો આર્થિક ફાયદો થવાનો છે. તેવી જ રીતે બેકરી પ્રોડક્‍ટમાં પણ કિલોએ ૪૦ રૂપિયાનો ઘટાડો થયો છે. તહેવારોની સિઝનમાં અને તેમાં પણ ખાસ કરીને દિવાળીના અરસામાં મોટાભાગના લોકો દ્વારા ટીવી, ફીઝ, એસી, વોશિંગ મશીન, ડિશ વોશર જેવી અનેક ઇલેક્‍ટ્રોનિક ચીજવસ્‍તુની ખરીદી કરતા હોય છે. તેના પર પણ જીએસટીમાં ઘટાડો કરવાના કારણે ટીવીમાં ચારથી પાંચ હજાર, એસીમાં ત્રણથી ચાર હજાર અને ડિશ વોશરમાં પાંચથી છ હજાર રૂપિયાની બચત થવાની છે. જોકે ફીઝ અને વોશિંગ મશીન પર પહેલેથી જ જીએસટીનો દર ૧૮ ટકા હોવાના કારણે તેમાં ગ્રાહકોને જે ભાવે પહેલા મળતા હતા. તે જ ભાવે ૨૨ સપ્‍ટેમ્‍બર બાદ ફીઝ અને વોશિંગ મશીન મળવાના છે. (૪૦.૧૫)

(9:50 AM IST)